
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો;
દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે જે અન્વયે નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાકક્ષાના યોજાયેલા સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે આજે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્રારા ખૂલ્લો મુકાયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે. ભારત દેશમાં મહિલાઓએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી પહોંચીને આગવી ઓળખ અને નામના મેળવીને દેશનુ નામ રોશન કર્યું છે. નર્મદા જિલ્લામાં પણ અનેક મહિલાઓએ સામાજિક, શૈક્ષણિકની સાથોસાથ રમતગમતક્ષેત્રે પણ આગળ વધીને જિલ્લાની એક અલગ ઓળખ ઉભી કરી છે. જે મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પર રહીને કામગીરી કરી રહી છે ત્યારે આ મહિલાઓએ પણ અન્ય મહિલાઓની જેમ આગળ વધે તે દિશાના પ્રયાસો હાથ ધરવાની હિમાયત કરી હતી.
મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સૂરીએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા અનેકવિધ મહિલાલક્ષી યોજનાનાઓ અમલમાં છે જેનો લાભ લઇને અંતરિયાળ અને છેવાડાની મહિલાઓ સ્વનિર્ભર બનવાની સાથે આત્મનિર્ભર બની છે. જિલ્લામાં પણ અનેક મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર રહીને રાજ્યની સાથે દેશનું નામ રોશન કર્યું છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર જિલ્લાની ૪૦ જેટલી મહિલા-દિકરીઓને શાલ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયાં હતા. વ્હાલી દિકરી યોજનાના અને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના(વિધવા સહાય) ના ૨૦ લાભાર્થી મહિલાઓને મંજૂરી હુકમો ઉપરાંત ANC મોનીટરીંગ અંતર્ગત સરાહનીય કામગીરી કરનાર ૨૦ આંગણવાડી બહેનો અને આશા બહેનોને બેટી બચાવો બેટી પઢાવોના લોગો વાળી ઘડીયાળ અને પર્સ આપવાની સાથે માતા યશોદા એવાર્ડ યોજના અંતર્ગત ૨ આંગણવાડી બહેનોને અનુક્રમે રૂા. ૩૧ હજાર અને રૂા. ૨૧ હજારનો ચેક આપવા ઉપરાંત ગંગાસ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના ૦૧ લાભાર્થી મહિલાને રૂા.૨૫ હજારનો ચેક એનાયત કરાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડી. એ. શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલાંબરીબેન પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહીત આંગણવાડી કાર્યકર, આશાબહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.