શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આગામી ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાશે:
જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ:
વ્યારા-તાપી: આગામી ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં “જેન્ડર ઇક્વાલીટી ટુ ડે ફોર સસ્ટેઇનેબલ ટુમોરો”ના થીમ ઉપર મહિલા અને બાળ વિભાગ દ્વારા ગાંધીનગર દ્વારા ઉજવણી થનાર છે. જેના ઉપક્રમે તાપી જિલ્લામાં વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને ઇંચા. જિલ્લા વિકાસ અધિકારી અશોક પટેલ, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
બેઠકમાં નક્કિ થયા અનુસાર તાપી જિલ્લામાં આગામી ૮મી માર્ચ-૨૦૨૨ના દિને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સવારે ૦૯.૦૦ કલાકે વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓને પુરસ્કાર વિતરણ તેમજ સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓ, રમતવીરો, આરોગ્ય, આંગણવાડી, ૧૮૧ મહિલા હેલ્પલાઇન વગેરે વિભાગોમાં અગ્રેસર મહિલાઓને સન્માન પત્ર આપી તેઓની કામગીરીને બિરદાવવામાં આવશે.
આ ઉપરાંત તાપી જિલ્લાની તમામ શાળાઓમાં આ દિન નિમિતે વિવિધ વિષયો જેવા કે, હિંસા મુક્ત સમાજની કલ્પના, મહિલાઓ અને હિંસા, મહિલાઓ અને સમાનતા, મહિલાને ન્યાય અને ગૌરવ પ્રદાન, સમાજમાં મહિલાનું મહત્વ જેવી થીમ ઉપર પોસ્ટર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્લોગન રાઇટીંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ સાથે કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ નિહાળવામાં આવશે.
બેઠકમાં તાપી મહિલા અને બાળ અધિકારી ધર્મેશ વસાવા, માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇ મનીષ પટેલ, ઇંચા. પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, ઇંચા. પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઉપસ્થિત રહ્યા હતા.