વિશેષ મુલાકાત

ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના ૮૧૩૬ લાભાર્થીઓને રૂ.૫.૧૪ કરોડના લાભો એનાયત કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના ૮૧૩૬ લાભાર્થીઓને રૂ.૫.૧૪ કરોડના લાભો એનાયત કરાયા:

પ્રાકૃતિક ખેતી ડાંગ અને ડાંગના ખેડૂતોની સુખ સમૃદ્ધિના દ્વાર ખોલશે:-મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી

રાજ્ય અને કેન્દ્ર સરકાર ડાંગ જિલ્લા ઉપર હંમેશા હેત વરસાવી રહી છે ત્યારે પ્રજાજનોને અફવાઓથી ગેરમાર્ગે નહી દોરાવાની અપીલ કરતા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી

આહવા ખાતે યોજાયો ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો:

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે કેન્દ્રિય પુરસ્કૃત યોજનાઓ બાબતે સ્થાનિક જનપ્રતિનિધિઓ હંમેશા પ્રજાહિતને જ મહત્વ આપી રહ્યા છે,

 આહવા: પ્રાકૃતિક ખેતી આગામી સમયમા ડાંગ અને ડાંગના ખેડૂતોની સુખ સમૃદ્ધિના દ્વાર ખોલશે તેમ જણાવતા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીએ, રાજ્ય અને કેન્દ્ર સરકારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લા ઉપર હંમેશા હેત વરસાવ્યુ છે, તેમ જણાવ્યુ હતુ.

 ગુજરાતમા અને દેશમા પણ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાનુ બહુમાન ડાંગ જિલ્લાને આપવા સાથે, જ્યોતિગ્રામ યોજના અને નલ સે જલ યોજના જેવી પ્રજાલક્ષી યોજનામા પણ ડાંગ જિલ્લો સરકારની પ્રથમ પસંદગી રહ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

 ગરીબ કલ્યાણ મેળામા બોલતા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીએ આદિવાસી વિસ્તારમાં પાર-તાપી-નર્મદા લીંક પરિયોજના તથા ડેમ અને વિસ્થાપિત જેવા મુદ્દે, પ્રજાજનોને ગેરમાર્ગે નહી દોરાવાની અપીલ કરી, પ્રજાપ્રતીનિધીઓ હંમેશા પ્રજાહિતને પ્રાધાન્ય આપી રહ્યા છે, તેમ જણાવ્યુ હતુ.

 કોરોનાને કારણે ગત બે વર્ષો દરમિયાન મોકૂફ રહેલા ગરીબ કલ્યાણ મેળા અગાઉના મેળાઓમાં જિલ્લાના કુલ.૨૮૭૧૩ લાભાર્થીઓને અંદાજિત રૂ.૧૦૬.૫૬ કરોડના લાભો એનાયત થઈ ચૂક્યા છે તેમ જણાવતા, મંત્રીશ્રીએ ૨૦૨૨ ના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ.૮૧૩૬ લાભાર્થીઓને રૂ.૫.૧૪ કરોડના લાભો આપવામા આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ.

 મંત્રીશ્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લઈને, સૌને વિકાસ સાધવાની પણ આ વેળા અપીલ કરી હતી.

 કાર્યક્રમ દરમિયાન કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) અને નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સહિતના પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરવા સાથે, પેટા સ્ટેજની પણ મુલાકાત લીધી હતી.

 ગરીબ કલ્યાણ મેળાની અગત્યતા અને ઉપયોગિતાનો ખ્યાલ આપતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે કેન્દ્રિય પુરસ્કૃત યોજનાઓ બાબતે સ્થાનિક જનપ્રતિનિધિઓ હંમેશા પ્રજાહિતને જ મહત્વ આપી રહ્યા છે તેમ જણાવી, અફવાઓથી ગેરમાર્ગે નહી દોરાવાની અપીલ કરી હતી.

 ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે ગુજરાતમા શુરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાને કારણે, અનેક શ્રમજીવી પરિવારો સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થઈને પગભર બન્યા છે, તેમ જણાવતા ધારાસભ્ય શ્રી વિજય પટેલે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપી, જિલ્લામા ડેમ બાબતે પ્રવર્તતી ગેરસમજોથી ભયભિત ન થઈ, પ્રજાજનોની સુખાકારીને જ સરકાર અને જનપ્રતિનિધિઓ પ્રાધાન્ય આપી રહ્યા છે તેમ પ્રાસંગિક વક્તવ્યામા જણાવ્યુ હતુ. પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી એવા જનપ્રતિનિધિઓ ઉપર વિશ્વાસ રાખવાની પણ તેમણે આ વેળા અપીલ કરી હતી.

 કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. અંતે આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશીએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ અને સંદીપ પટેલે સેવા આપી હતી. પ્રાર્થના તથા સ્વાગત ગીત સરકારી માધ્યમિક શાળા આહવાની બાળાઓએ પ્રસ્તુત કરી હતી.

મુખ્ય સ્ટેજ ઉપરાંત ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામા તૈયાર કરાયેલા પેટા સ્ટેજ ઉપરથી સ્થાનિક પદાધિકારીઓ એવા ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર શ્રી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતોના પ્રમુખશ્રી, બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી, શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી સહિત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રીએ પેટા સ્ટેજના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનુ વિતરણ કર્યું હતુ.

 ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમા યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામા આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે, ભાજપાના મહામંત્રીઓ સર્વ શ્રી રાજેશભાઈ ગામીત, હરિરામ સાવંત, અને કિશોરભાઈ ગાવિત, શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતી નિલમ પટેલ, સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ.વિપિન ગર્ગની આગેવાની હેઠળ નિવાસી અધિક કલેકટર શ્રી પી. એ. ગાવિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, પ્રાંત અધિકારીશ્રી તથા તેમની ટીમે સમગ્ર કાર્યક્રમની કાર્ય વ્યવસ્થા સાંભળી હતી.

 કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદીજુદી કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો અને સફળ ગાથા પણ રજુ કરી હતી. તો રાજ્યકક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ નિહાળ્યુ હતુ. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે ‘કોવિડ-૧૯ વેક્સિનેશન કેમ્પ’ સહિત જુદી જુદી યોજનાઓની જાણકારી પ્રસ્તુત કરાઈ હતી.

 કાર્યક્રમમા કલેકટરશ્રી ભાવિન પંડ્યા સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ.વિપિન ગર્ગ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વેશ્રી અગ્નિશ્વર વ્યાસ અને રવિપ્રસાદ સહિતના પ્રશાસનિક અધિકારીઓ, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ, સ્થાનિક પ્રજાપ્રતિનિધીઓ, મીડિયા કર્મીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है