શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં “ચાઇલ્ડ લાઇન સે દોસ્તી” અને “બાળ અધિકારી સપ્તાહ”ની ઉજવણી અન્વયે શાળાના બાળકોએ તાપી જીલ્લા કલેક્ટરશ્રીની મુલાકાત લીધી હતી.
બાળકો દ્વારા પુછવામાં આવેલ અવનવા પ્રશ્નોના જવાબો આપી બાળકો અને કલેકટરશ્રી ખુશ-ખુશાલ થયા:
વ્યારા: તાપી જિલ્લામાં તા.૧૪ નવેમ્બર ‘બાળ દિન”થી ૨૦ નવેમ્બર સુધી ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ દ્વારા “ચાઇલ્ડ લાઇન સે દોસ્તી” અને “બાળ અધિકારી સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણી દરમિયાન બાળકોના અધિકારો અંગે બાળકો સાથે નાગરિકો જાગૃત થાય તેવા ઉદ્દેશ્થી વિવિધ જન-જાગૃતિની પ્રવૃતિઓ યોજવામાં આવી હતી.
આ ઉજવણીના ઉપલક્ષમાં આજરોજ તાપી જિલ્લાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૧૦ જેટલા બાળકોની જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા સાથે મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં કલેકટરશ્રીએ બાળકો સાથે પોતાના બાળપણ અને કારકિર્દી તથા કલેકટર તરીકેની કામગીરી અંગે વિગતવાર વાતો કરી હતી. તેમણે બાળકોને શિક્ષણ સાથે રમત-ગમતનું પણ મહત્વ અંગે ખાસ સમજ કેળવી પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં બાળકો દ્વારા પુછવામાં આવેલ અવનવા પ્રશ્નોના જવાબો આપી બાળકો અને કલેકટરશ્રી ખુશ-ખુશાલ થયા હતા.