શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત
વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવાની પ્રશંસનીય કામગીરી બદલ દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ના લાઇનસ્ટાફ કર્મચારીનું વિશેષ સન્માન કરાયું
———-
ચાલુ વરસાદે દાખવેલી ફરજનિષ્ઠા બદલ વિક્રમ પટેલને DGVCLના મેનેજિંગ ડિરેક્ટરે પ્રશંસાપત્ર અર્પણ કર્યું
———-
છાતી સમા પાણી વચ્ચે જઈ વિક્રમ પટેલે વીજ પૂરવઠો પુન:કાર્યરત કર્યો
————-
સુરત: વીજગ્રાહકોની સેવા અર્થે કઠિન પરિસ્થિતિમાં પણ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે એ માટે DGVCLના વીજકર્મીઓ સતત કાર્યશીલ રહે છે. તાજેતરમાં, DGVCLના કર્મચારી શ્રી વિક્રમભાઈ પટેલે આવી જ કર્તવ્યપરાયણતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયું હતું. વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવાની પ્રશંસનીય કામગીરી બદલ દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ના લાઇનસ્ટાફ કર્મચારી વિક્રમ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું.
તા.૨૪ સપ્ટે.ના રોજ સુરતના સચિન રૂરલ અને ખરવાસા એમ બંને સબ ડિવીઝનોના સંયુક્ત ફીડર એવું ૧૧ કે.વી. પારડી અર્બન ફીડર ભારે વરસાદને કારણે ફોલ્ટ થવાથી બંધ થયુ હતું. સચિન રૂરલ સબ-ડિવીઝનના લાઈનસ્ટાફે પેટ્રોલિંગ કરી ખરવાસા સબ-ડિવીઝન સેક્શનનો પારડી હાઈસ્કૂલ નજીક ખાડી પાસે આવેલ D.O.ટેપિંગ ઉતારીને ૧૧ કે.વી. પારડી અર્બન ફીડર થકી વીજ પુરવઠો પુન:સ્થાપિત કર્યો હતો. આ બાબતની જાણ સચિન રૂરલ સબ-ડિવીઝનના લાઈનસ્ટાફે ખરવાસા સબ-ડિવીઝનના લાઈનસ્ટાફને કરી. જેથી ખરવાસા સ્ટાફે પારડી હાઈસ્કૂલ જઈને ખરવાસાના સેક્શનની આખી વીજલાઈન પેટ્રોલિંગ કરી હતી. જે દરમિયાન તેઓએ અંબિકાનગર નજીક એક તૂટી ગયેલ જંપરને રિપેર કર્યું અને ખાડી પાસે આવેલ D.O.ટેપિંગના સ્થળ પર ગયા હતાં.
આ સ્થળ પર છાતી સુધી પાણી ભરાયું હતું, તેથી સલામતી માટે વીજ પુરવઠો બંધ કરાવાયો. ત્યારબાદ શ્રી વિક્રમભાઈ પટેલ (ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ (વિદ્યુત સહાયક,ખરવાસા સબ-ડિવીઝન) ઊંડાપાણીમાં ઉતરીને D.O.ટેપિંગ પાસે ગયા અને D.O.નાખવાની કામગીરી સફળતાપૂર્વક કરી. જેથી ખરવાસા સેક્શનમાં પણ વીજ પુરવઠો પુન:સ્થાપિત થયો હતો. આમ, શ્રી વિક્રમભાઈએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દાખવી વીજગ્રાહકોને અવિરત વીજ સેવાઓ મળતી રહે એ માટેની કર્તવ્યપરાયણતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શ્રી વિક્રમભાઈની ફરજનિષ્ઠા બદલ DGVCLના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અરવિંદ વિજયન (IAS)એ વીજ કંપનીની કાપોદ્રા સ્થિત વડી કચેરીએ વિશેષ આમંત્રણ આપી પ્રશંસાપત્ર પાઠવી વિક્રમભાઈનું વિશેષ બહુમાન કર્યું હતું.