
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા ડાંગ
જિલ્લામા આજે ૧૨૨ સ્થળોએ યોજાશે ‘વેકસીનેસન’ :
૧૮ હજાર ૭૦૦ લક્ષિત લાભાર્થીઓને રસી અપાશે :
રસીકરણ સાથે સો ટકા વેક્સીનેસન ધરાવતા ગામોના સરપંચોને સન્માનિત પણ કરાશે ;
ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાશે ;
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજાશે ત્રિવિધ કાર્યક્રમો ;
જિલ્લા વહીવટી તંત્ર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી :
ડાંગ, આહવા: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન એટલે કે તા.૧૭મી સપ્ટેમ્બરે, ડાંગ જિલ્લામા વ્યાપક ‘રસિકરણ અભિયાન’ સહીત ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.
રસીકરણ ઉપરાંત ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબીર ખાતે સ્થાનિક પદાધીકારીઓની ઉપસ્થિતિમા આયોજિત કાર્યક્રમ દરમિયાન જે ગામોમા સો ટકા વેક્સીનેસનની કામગીરી પૂર્ણ કરવામા આવી છે, તે ગામોના સરપંચોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જ્વાલા યોજના તથા શૌચાલયના લાભાર્થીઓને પણ લાભો આપવામા આવનાર છે. તો ‘કોરોના’ ને કારણે પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આર્થિક સહાયનુ પણ વિતરણ કરવામા આવનાર છે.
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામા યોજાનારા ત્રિવિધ કાર્યક્રમોની મીડિયાકર્મીઓને રૂપરેખા આપતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ મીડિયામિત્રોના માધ્યમથી કોરોનાના સંભવિત સંક્રમણને રોકવા માટે વધુમા વધુ લોકો રસી લઈને, સ્વયંને સુરક્ષિત કરવા સાથે પોતાના પરિવારજનોને પણ સુરક્ષા પ્રદાન કરે તેવા વાતાવરણનુ નિર્માણ કરવાના વહીવટી તંત્રના પ્રયાસમા સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા આજે ૧૨૨ સેશન સહિત ૧૦ મોબાઈલ શેસન મળી કુલ ૧૩૨ સ્થળોએ આરોગ્ય વિભાગના ૭૦૦ જેટલા કર્મયોગીઓ દ્વારા ૧૮ હજાર ૭૦૦ જેટલા લક્ષિત વ્યક્તિઓને ‘કોરોના’ વિરોધી રસી આપવામા આવશે.
આજે જે સ્થળોએ રસિકરણ કાર્યક્રમ યોજાનાર છે તેમા આહવાની સિવિલ હોસ્પિટલ, સહિત સુબિર, વઘઇ, અને શામગહાન ના ત્રણેય સામુહીક આરોગ્ય કેન્દ્રો, અને ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વેકસીનેસનની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત ૬૦ FHW, ૪૦ CHO, અને ૮ RBSK ટિમ પણ તેમના કાર્ય વિસ્તારોમા રસિકરણની કામગીરી હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે, આજે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે, વઘઈ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે, અને સુબીરના તાલુકા સેવા સદન ખાતે સવારે ૧૧ વાગ્યાથી કાર્યક્રમોની શરૂઆત થશે.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ પ્રેસમીટમા જિલ્લાના પ્રિન્ટ તથા ઈલે.મીડિયાના પ્રતિનિધિઓ, સહીત કલેકટર શ્રી ભાવિન પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, આર.સી.એચ.ઓ.શ્રી ડો.સંજય શાહ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, ડીઝાસ્ટર મામલતદાર શ્રી જયેશ પટેલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી સંવાદ સાધ્યો હતો.