
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લામા પણ યોજાશે ‘કસુંબી નો રંગ’ ઉત્સવ :
–
રાષ્ટ્રીય કવિશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાનો કાર્યક્રમ વઘઈ ખાતે યોજાશે:
આહવા: રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીના ઉપલક્ષમા આગામી તા.૨૮ ઓગસ્ટના રોજ રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામા પણ ‘કસુંબી નો રંગ’ ઉત્સવ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.
ડાંગ જિલ્લાના કાર્યક્રમને આખરી ઓપ આપતા કલેકટર શ્રી ભાવિન પંડયાએ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ સ્થિત કૃષિ કોલેજ ખાતે યોજાનારા ‘કસુંબી નો રંગ’ કાર્યક્રમની સુક્ષ્મ વિગતો આપી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અને આયોજન સંબંધી માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ આ કાર્યક્રમમા રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, અને સહકાર વિભાગના રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે, તેમ જણાવી જુદા જુદા અધિકારીઓને જવાબદારીઓ સુપ્રત કરી હતી.
તા.૨૮/૮/૨૦૨૧ ના રોજ કૃષિ કોલેજ, વઘઈ ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન કવિ શ્રી મેઘાણીના જીવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મેઘાણી સાહિત્યનુ વિતરણ પણ કરાશે. આ ઉપરાંત શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો, ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરાશે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી કાર્યક્રમ આયોજન અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી મંગળભાઈ ગાવિત સહીત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીત, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણીલાલ ભુસારા, મદદનીશ રમતગમત અધિકારી શ્રી રાહુલ તડવી, પોલીટેકનીક કોલેજના પ્રીન્સીપાલ શ્રી કે.ડી.પટેલ સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.