શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ધંધૂકાના કિશન ભરવાડના હત્યારાઓને પકડી પાડી સજા કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારને આવેદન આપ્યું;
ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના આરોપીઓને ત્વરિત ઝડપી પાડી સજા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આજે સાગબારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદાર ને આપવામાં આવ્યું હતું.
ધંધુકામાં થયેલ કિશન ભરવાડ નામના વ્યક્તિની કરપીણ હત્યાના પડઘા ગુજરાત ભરમાં પડી રહયા છે, ત્યારે આજે રાજ્યના છેવાડે આવેલા સાગબારા તાલુકામાં પણ તેની અસર જોવા મળી હતી. ઇસ્લામિક કટ્ટરપંથી પ્રવૃત્તિને અટકાવવામાં આવે તેવા દબાવ સરકાર ઉપર કરાઈ રહ્યા છે, ત્યારે આવી અતિ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે સાગબારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ એક લેખિત આવેદનપત્ર મામલતદાર ને આપી દોષિતોને વહેલી તકે ઝડપી પાડી સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી.
આવેદનપત્ર આપવામાં આવનાર હોવાની જાણ પોલીસ ને થતા મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર કેટલાક ઉપદ્રવી તત્વો સમાજ માં અશાંતિ અને અરાજકતા ફેલાય તેવા પ્રયત્નો કરે છે, તેમજ આવા તત્વો પાસે હથિયારો ક્યાંથી આવ્યા ,કોના દ્વારા આવ્યા તેની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
વધુમાં સમયાંતરે હિન્દૂ સમાજને કોઇપણ પ્રકારે ત્રાહિત કરવામાં આવે છે.અને ઘટના દ્વારા હિન્દૂ સમાજ ઉપર ફરી એકવાર આઘાત કરવા સમાન છે, ત્યારે કિશન ભરવાડ ના હત્યારાઓને ઝડપી પાડી સજા કરવામાં આવે તેવી માંગ છે. આવેદનપત્ર આપતી વખતે સાગબારા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભારત માતાકી જય ના નારાઓ લગાવ્યા હતા. સાગબારા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.