શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
કેશિયર ડેડીયાપાડા હોસ્પિટલમાં સારવાર હેઠળ, ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી:
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ચીકદા ગામ ખાતે આવેલા એસ્સાર પેટ્રોલ પંપના કેશિયર અમરસિંહભાઈ વસાવા આજ રોજ તા. 27/10/2020 ના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ 8 લાખ રૂપિયા રોકડ રકમ બેંકમાં જમા કરાવવા જતા હતા. તે દરમિયાન ભરાડા પુલ પાસે બે બાઈક પર આવેલા લૂંટારૂઓ તલવારથી અમરસિંહ ભાઈ વસાવા પર જીવલેણ હુમલો કરી 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તેઓ નજીકના જાણ ભેદુ હોવાની સંભાવના છે એવું લોકો કહી રહ્યા છે, જ્યારે ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોએ અમરસિંહભાઈ વસાવાને ડેડીયાપાડા CHC હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.
ડેડીયાપાડા CHC ખાતે એમને માથાના ભાગે 24 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા, હાલમાં પણ તેઓ બેભાનની અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં ડેડીયાપાડા પોલીસની ટીમ પણ એલર્ટ થઇ PSI દેસાઈ, PSI અજય ડામોર કેવડિયા બંદોબસ્ત માંથી સીધા જ ડેડીયાપાડા દોડી આવ્યા હતા. આ ઘટના સંદર્ભે નર્મદા LCB ની ટીમ દ્વારા તપાસનો દોર આરંભયો છે.
મળતી માહિતી મુજબ લૂંટારુઓની બન્નેવ બાઈકો નંબર વગરની હતી, ઘણા સમયથી આ લોકો આ લૂંટ કરવાની ફિરાકમાં હોય તેમ માની શકાય છે. હાલ પોલીસની ટીમે ચારેય દિશામાં તપાસ હાથ ધરી છે. એક તરફ વડાપ્રધાન મોદી નર્મદામાં આવવાના છે, ત્યારે બીજી તરફ 8 લાખની લૂંટથી પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે. નર્મદા જિલ્લામાં આ મોટામાં મોટી લૂંટ હોવાનો પણ અંદાજો લગાવાઈ રહ્યો છે. જીવલેણ હુમલો કરીને ઘટનાને અંજામ આપી લુટારુઓ આરામથી ફરાર થઈ ચૂક્યા છે. જેની તપાસમાં પોલીસ નજીકના પેટ્રોલ પંપ સી.સી.ટીવી કેમેરા સહિત આજુબાજુના લોકોને પણ પૂછપરછ કરીને આ લૂટની સઘન તપાસ હાથ ધરી છે.
આ લૂંટ ચોક્કસ પ્લાનિંગ કરીને કરાઈ હોવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ઘણા સમયથી લૂંટારાઓ આ કેશિયરને રેકી કરતા હોવા જોઈએ અને લુંટારાઓને પણ ખબર જ હોવી જોઈએ હાલ નર્મદા પોલીસ વડાપ્રધાનના કેવડિયા ખાતે બંદોબસ્તમાં હોવાથી ઘટનાને અંજામ આપવામાં કોઈ જ અડચણ નહિ આવે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે.
ચિકદા ખાતેના એસ્સાર પેટ્રોલ પંપનો કેશિયર ચારણી ગામના અમરસિંહ ભાઈ વસાવા છે. તેઓ 9:30 ના અરસામાં 8 લાખ જેટલી કેસ ભરવા માટે પોતાના પેટ્રોલ પંપ પરથી મોટરસાયકલ પર ઉમરપાડા ખાતે જાય છે તેવી ચોક્કસ બાતમી અને રેકીના આધારે લૂંટ થઈ હોય અને કોઈ જાણભેદુએ જ આ લૂટને અંજામ આપ્યો હોય તેવી શક્યતા પણ હાલમાં નકારી શકાતી નથી. હાલ ડેડીયાપાડા સિવિલ હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે.