
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ SOGની સઘન કાર્યવાહી: ફરાર આરોપી કસ્ટડીમાં, બેની શોધખોળ તેજ
અઢી વર્ષથી ફરાર પ્રોહીબિશન કેસનો વોન્ટેડ આરોપી SOGના જાળમાં:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લામાં છેલ્લા અઢી વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલા પ્રોહીબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ડાંગ–આહવા ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ફરાર આરોપીઓ સામે ચાલી રહેલી પોલીસની સખત કાર્યવાહી વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે તમામ પોલીસ યુનિટોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને ધ્યાનમાં રાખી SOGના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. જી. શેખ અને તેમની ટીમ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ માટે સઘન અને ગુપ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.
તપાસ દરમિયાન SOG ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સૂત્રોના આધારે મહત્વપૂર્ણ બાતમી મળી હતી કે આહવા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો ફરાર આરોપી મયુર મહેશ હળપતિ (રહે. એન્કર કોલોની, બ્રાહ્મણ ફળિયું, ભીમપોર, નાની દમણ) હાલ વલસાડ જિલ્લાના વાઘલદરા ગામ વિસ્તારમાં જોવા મળ્યો છે. બાતમી મુજબ આરોપીએ મરૂન રંગની ટૂંકી બાંયની ટી-શર્ટ અને કાળા રંગનો સ્પોર્ટ્સ પેન્ટ પહેરેલો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
મળેલી ચોક્કસ માહિતીના આધારે SOG ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને વલસાડ જિલ્લાના વાઘલદરા બસ સ્ટેશન નજીક સાવચેતીપૂર્વક વોચ ગોઠવી નજર રાખવામાં આવી હતી. દરમિયાન બાતમીમાં જણાવ્યા મુજબનો શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે તેને રોકી પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મયુર મહેશ હળપતિ હોવાનું જણાવતાં અને આહવા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશન ગુનામાં પોતાની સંડોવણી કબૂલ કરતાં પોલીસએ તેને ઝડપી પાડી કસ્ટડીમાં લીધો હતો.
આગળની કાર્યવાહી અંતર્ગત પોલીસ ટીમે આરોપીને વલસાડથી ડાંગ જિલ્લાના આહવા ખાતે લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું એ છે કે આ જ ગુનામાં સંડોવાયેલા બાકી રહેલા બે આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપવા માટે ડાંગ–આહવા એલ.સી.બી. ટીમ દ્વારા વધુ તપાસ અને શોધખોળ તેજ કરવામાં આવી છે.



