વિશેષ મુલાકાત

તાપી માં “વિશ્વ આદિવાસી દિન” ની ઉજવણી ટાઉન હોલ ખાતે રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વર્ષોથી પ્રકૃતિના પૂજકોની સાંસ્કૃતિક વિરાસતને ઊજાગર કરી સતત જાળવી રાખવાનો સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ:
ગૌરવવંતા આદિજાતિ સમાજની સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે સરકાર સતત પ્રયત્નશીલ: -મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

આદિવાસી કલા-સંસ્કૃતિ,રીત-રિવાજ પારંપરિક વારસો એક અનોખી આગવી ઓળખ છે..- કલેકટર એચ.કે.વઢવાણિયા.

સોનગઢમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, નિઝરમાં સંગીત નાટક અકાદમી ચેરમેન પંકજ ભટ્ટની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ; 

૨૦૯૨ લાભાર્થીઓને રૂપિયા ૭ કરોડથી વધુની સાધન સહાય અને ચેકોનું વિતરણ કરાયું;

 વ્યારા : તાપી જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિન” ઉજવણી તથા વર્તમાન સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા દિને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે આયોજીત સમારોહમાં પ્રેરક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરી આ વિરાસતને સતત જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો પ્રેરિત તા. ૯મી ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી જિલ્લાઓમાં આજે ભવ્ય ઉજવણી કરી વર્ષોથી પ્રકૃતિ પૂજકોના વૈવિધસભર રીતરિવાજો, સાંસ્કૃતિક ઉત્સવો અને અનોખી જીવનશૈલીને ઉજાગર કરવાનો અવસર આ સરકારે પૂરો પાડ્યો છે.


મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. વર્તમાન સરકારને આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. આદિવાસીઓમાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભક્તિ રહેલી છે. તેઓએ અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્હોરી છે. એવા આદિવાસી સમાજના સમતોલ વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારે છેલ્લા ૧૩ વર્ષમાં અંબાજીથી ઉમરગામ સુધીની પટ્ટીમાં ૧૪ જિલ્લામાં ૫૩ તાલુકાના ૮૫૮૪ ગામોમાં વનબંધુ યોજના હેઠળ રૂ. ૧૨૦૦ કરોડના કામો કર્યા છે. તથા આગામી પાંચ વર્ષમાં રૂપિયા એક લાખ કરોડની વનબંધુ કલ્યાણ તથા અન્ય યોજનાઓ અંતર્ગત રૂ. ૫૭૭૯૬ કરોડનો ખર્ચ કર્યા છે. તેમ જણાવી આદિવાસી સમાજ કોઈ પણ પડકારોને ઝીલી વૈશ્વિક સ્તરે અગ્રેસર બની સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં સહયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.


વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે સૌને શુભકામનાઓ પાઠવતા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે ૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ જાહેર કર્યો છે. સમગ્ર વિશ્વમાં રહેલ આદિવાસી સમુદાયો પોતાની ભવ્ય સંસ્કૃતિની ઉજવણી કરી શકે તે માટે આ દિવસને મહત્વ અપાયું છે. આદિવાસી કલા-સંસ્કૃતિ, રીત-રિવાજ, પારંપારિક અમૂલ્ય વારસો એક અનોખી આગવી ઓળખ છે. જેને જાળવી રાખવી આપણી સૌની ફરજ છે. સરકારના સુશાસનના ૫ વર્ષ નિમિત્તે “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવણી કરીને સરકાર પણ આપણી સાથે છે. આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે સરકાર અવિરત કામ કરી રહી છે. શિક્ષણ, ખેતી, આરોગ્ય, વિજળી વિગેરે ઈન્ફ્રાસ્ટ્રકચરના અનેક યોજનાઓ અમલમાં છે. ક્લેકટરશ્રીએ વર્તમાન કોરોના મહામારીને જોતા તેમજ સંભવિત ત્રીજી લેહેર સામે સુરક્ષિત રહેવા જિલ્લાના તમામ નાગરિકોને વહેલી તકે રસીકરણ કરાવી લેવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.
જિલ્લામાં આ ઉપરાંત સોનગઢ ખાતે મહારાજા અગ્રસેન ભવનમાં જિલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવા, ઉચ્છલની કન્યા સાક્ષરતા નિવાસી શાળા બાબરઘાટ ખાતે આદિજાતી વિકાસ નિગમ ડિરેક્ટર પરેશભાઈ વસાવા, નિઝરમાં એ.પી.એમ.સી. માર્કેટ ગુ.રા.સં.નાટક અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, વાલોડની સ.ગો. હાઇસ્કુલમાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા, ડોલવણની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધારાસભ્ય પીયુષભાઈ દેસાઈ, અને કુકરમુંડાની તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય વી.વી.ઝાલાવાડિયાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિન નિમિત્તે તાપી જિલ્લામાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજના હેઠળ સમગ્ર જિલ્લામાં ૨૦૯૨ લાભાર્થીઓને અંદાજીત રૂપિયા ૭ કરોડથી વધુની સાધન સહાય/ચેકોનું વિતરણ કરાયું હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રાયોજના વહીવટદાર વિજય પટેલે શાબ્દિક સ્વાગત તથા વ્યારા પ્રાંત હિતેશ જોષીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અરવિંદ ગામીતે કર્યું છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયા, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, આદિજાતી વિભાગના નાયબ સચિવ મનિષ મોદી, જિ.પ.ઉપ પ્રમુખ અર્જુન ચૌધરી, ન.પા.પ્રમુખ સેજલબેન રાણા, મામલતદાર બી.બી.ભાવસાર, મદદનીશ કમિશ્નર આદિજાતી એચ.એલ.ગામીત, આદિવાસી સમાજના અગ્રણીઓ, મહાનુભાવો અને લાભાર્થીઓ સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है