શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વ્યારા જૈન સંઘના આંગણે આરાધના ભવન ખાતે પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજ્યજી મહારાજની પધરામણી થઈ હતી. પૂજ્યશ્રી બે દિવસ સ્થિરતા કરીને પ્રવચનગંગા વહાવશે.
બુધવાર સવારે અમૃતવાણીનું પાન કરાવતાં પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજ્યજી મહારાજે જણાવ્યું હતું કે, સંપત્તિ કરતાં પણ શાંતિ મહત્ત્વની છે. જ્યાં સંપ હોય ત્યાં સઁપતિનું અવતરણ થતું હોય છે. સંક્લેશ અને સંઘર્ષોની સમશેરો ખેંચાતી હોય ત્યાં સઁપત્તિ હોય તો પણ વિનાશા થાય છે. જીવનરૂપી ખાટલાના ચાર પાયા છે. એક પણ પાયો તકલાદી હોય તો જીવન, ઉદ્યાનને બદલે ઉકરડી બની જાય છે. કુટુંબમાં સંપ, શરીરમાં આરોગ્ય, જીવનમાં શાંતિ અને ચિત્તમાં પ્રસન્નતા આ ચારેય પાયા મજબૂત હોવા જોઈએ. અત્યારે આ ચારેય પાયામાં ઉદ્યહી લાગી છે. ગમે ત્યારે જીવનનો સૂર્યાસ્ત થઈ શકે છે. ગુણી કુટુંબ હોયતો સુખી કુટુંબ હોય. નાનું કુટુંબ એ સુખી કુટુંબ’ આ તો સરકારની વાત છે. જ્યાં ગુણોના ક્ષેત્ર સ્પર્ધા ચાલતી હોય,એક બીજા એક બીજાને ખમી ખાવા તૈયાર હોય તે આદર્શ કુટુંબ કહેવાય, આજે તો સંયુક્ત કુટુંબનો માળો વેર વિખેર થઈ રહ્યો છે. ભાગલા કરો અને રાજ કરો ’બ્રિટીસરોની નીતિએ ભાઈ ભાઈ વચ્ચે સંતાનો અને માં-બાપ વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો છે. બધાને સ્વતંત્રતા અને સ્વચ્છતા જોઈએ છે. માથે કોઈ જોઈતું નથી. બધા માથાભારે બનતા જાય છે. વિવેક ,વિનય,મર્યાદા અને શરમનાં જળ સૂકાઈ ગયા છે. કુટુંબએ મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે.વિદેશની ધરતી ઉપર કુટુંબ અસ્તિત્વ જ નથી રહ્યું. ત્યાં મધર, ફાધર અંકલ ,આન્ટી સિવાય બધું અધર છે.ભારતમાં પરિવાર છે. માટે પારિવારીક સુખ છે. ભારતમાં પણ જ્યારથી પશ્ચિમનાં વિલાસી વિકૃતિઓનાં વાવાઝોડા ત્રાટક્યા છે. ત્યારથી બધું રફેદફે થવા માંડ્યુ છે. સંબંધોના ક્ષેત્રે સ્નેહનું સિંચન જોઈએ. સંબંધોમાં તિરાડ પડે પછી એ તિરાડોને સાંધવી મુશ્કેલ થઇ જાય છે. પરમાત્માના પ્રેમ કરતા પણ પારિવારિક પ્રેમ મહત્વનો છે.