શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
૩જી ડિસેમ્બરે દિવ્યાંગ દિવસે રાજયના ૧૦ જિલ્લાના ૩૧૧૧ દિવ્યાંગ, મંદબુધ્ધિ અને પ્રજ્ઞાચક્ષુ, સ્પેશ્યલ બાળકો એક સાથે ગાયત્રીમંત્ર જાપ, લેખન તથા ધ્યાન કરશેઃ
સુરતઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વાર દ્વારા દેશભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સુરતનું આગવું મહત્ત્વ રહ્યું છે. સુરતના શિક્ષિકા શ્રીમતી હેમાંગીનીબેન દેસાઈએ વર્ષ ૨૦૧૦ થી શરૂ કરી આજ દિન સુધી દિવ્યાંગ બાળકોમાં આ પરીક્ષા લઈ તેમના આત્મિક વિકાસ માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. જે બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ તેમની આ કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૨૦૧૦ થી શરૂ થયેલી દિવ્યાંગ બાળકોની આ પરીક્ષામાં અત્યાર સુધીમાં ૬૦૦૦ બાળકોનો સમાવેશ કરાયો છે. આ વિદ્યાર્થીઓ પૈકી ૯૦ રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા છે.
આ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માટેના દિવ્યાંગ બાળકોના કન્વીનર શ્રીમતી હેમાંગીબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ત્રીજી ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસના અનુસંધાનમાં પાંચમી ડિસેમ્બરે ગુજરાત ભરમાં ૧૧.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન રાજ્યના ૧૦ જિલ્લાની શાળાના ૩૧૧૧ દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે પૈકી ૬૪૦ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર જાપ કરશે, ૯૦૮ મુક-બધીર વિદ્યાર્થીઓ તથા ૪૧૩ શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર લેખન કરશે અને ૧૧૫૦ મંદ બુદ્ધિ ધરાવતા મનો દિવ્યાંગ બાળકો પંડિત શ્રીરામ શર્માના અવાજમાં ધ્વનિ મુદ્રિત થયેલા ગાયત્રી મંત્રની મદદથી ધ્યાન કરશે. આમ આ સમગ્ર સાધના તા.૫મી ડિસેમ્બરે ૧૧.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન એકી સાથે થશે જેને કારણે ઉદભવતી સામૂહિક ઉર્જા તેમના આત્મિક વિકાસને વેગ આપશે.
દિવ્યાંગ બાળકોમાં પ્રેમના આત્મિક વિકાસ માટે સતત સાધના કરવાની સુટેવ કેળવાય તે માટેનો આ એક સંનિષ્ઠ અને નમ્ર પ્રયાસ છે.
આ બાબતે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિ કુલપતિ શ્રી ડો. ચિન્મય પંડ્યાજી, ગાયત્રી પરિવારના મોભી શ્રી ડોક્ટર પ્રણવ પંડ્યાજી, ગાયત્રી પરિવાર પ્રમુખ શૈલ દીદી આ કાર્યની સરાહના કરી છે. આ કાર્યમાં સુરત, અમદાવાદ, વડોદરા, નડિયાદ, મોડાસા, ભાવનગર, નવસારી, વલસાડ, ભરૂચ જેવા શહેરોમાં વિવિધ ટ્રસ્ટ દ્વારા તથા સંસ્થાઓએ કાર્યક્રમ ને સફળ બનવવા સહર્ષ ભાગ લીધો છે તેમ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, ગુજરાત પ્રદેશ (દિવ્યાંગ વિભાગ)ના પ્રહરશા મહેતાએ જણાવ્યું હતું.