
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ઘોડવહળ ગામનાં કેટલાંક ધાર્મિક અસન્તોષ લોકોએ ખ્રિસ્તી ધર્મમાં માનતા લોકોને ધમકાવતાં, તેઓએ પોતાની સુરક્ષા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું.
ડાંગ : તા :- 12/04/2023 – આજરોજ વઘઈ તાલુકા નાં દગુનિયા ગ્રુપગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઘોડવહળ ગામનાં ખ્રિસ્તી ધર્મમાં માનતા લોકોએ ડાંગ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું હતું.
ઉપરોક્ત વિષયનાં અનુંસંધાનમાં તેઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઘોડવહળ ગામનાં પાંચ ખ્રિસ્તી જુવાનો તા : 06/04/2023 નાં રોજ સુરગાણા ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યાં હતાં ત્યારે ગામનાં જગનભાઈ જાદવ નામની વ્યક્તિએ આ જુવાનોને રસ્તામાં ઉભા રાખીને જણાવ્યું હતું કે, ગામમાં અમે હનુમાન જયંતિનો કાર્યક્રમ રાખેલ હોય જેથી, ગામમાં સવા મહિના સુધી કોઈએ પણ – માંસ, મટન, મચ્છી ખાવી નહીં. જે બાબતે એક જુવાને જવાબ આપ્યો હતો કે અમે તો જન્મથી માંસ, મટન વગેરેનો ખોરાક તરીકે રોજિંદા ઉપયોગ કરીએ છીએ તો સવા મહિના સુધી કેવીરીતે બંધ કરી શકીએ. એવો જવાબ આપી તેઓ ચાલ્યા ગયાં હતાં પણ, ત્યાર પછી 20 થી 25 મિનિટમાં જ ગામનાં છગનભાઈ ભોયે નામની વ્યક્તિએ ભાસ્કરભાઈ ચૌધરી પર ધમકીઓ ભર્યો ફોન કર્યો હતો જેમાં એવી ધમકીઓ આપી હતી કે જો તમે તાત્કાલિક ગામમાં હનુમાન મંદિર પાસે નહીં આવો તો વાત બગડી જશે. અને ત્યારબાદ તેઓએ ગામનાં ખ્રિસ્તી લોકોને માઈક સિસ્ટમ દ્વારા જાહેર માં ખૂબજ ગાળાગાળી કરી માઇકમાં ધમકીઓ ઉચ્ચારી હતી અને ગામનાં દરેક ખ્રિસ્તીઓને હનુમાન મંદિર પાસે બોલાવી તેઓની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો, મારામારી પણ કરી હતી. આ ગામનો ચંદુ લહેરે નામનો એક પત્રકાર છે તેઓ એ પણ ગામનાં હિન્દુ ભાઈઓને ઉશ્કેર્યા હતાં. જેનાં કારણે ગામનું વાતાવરણ વધારે ગરમાયું હતું.
નોંધ :- આ બાબતે કેટલાંક ન્યૂઝ પેપરોમાં સ્થળ ચકાસણી કર્યાં વગર અને સાચી માહિતી મેળવ્યા વગરજ ઘોડવહળ ગામનાં ખ્રિસ્તી લોકો પર ખોટા આક્ષેપો છાપી દેતાં સમગ્ર ડાંગના ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં નારાજગી જોવા મળી રહી છે તેની ડાંગ જિલ્લા તંત્રએ તાત્કાલિક નોંધ લેવી જોઈએ.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ગામનાં ખ્રિસ્તી ધર્મ ના અનુયાયીઓએ પોતાની સુરક્ષા માટે તા : 11/4/23 નાં રોજ વઘઈ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગામમાં કોઈપણ સંજોગે, બન્ને ધર્મના લોકો વચ્ચે તકરાર નાં થાય તે માટે, દર રવિવારે 9: થી 12: વાગ્યા સુધી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. અને તા : 12/4/2023 નાં રોજ ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબશ્રી ને પણ આવેદનપત્ર આપી સુરક્ષાની માંગ કરેલ છે. સાથે પ્રાર્થના ઘરમાં તેઓ શાંતિ પૂર્વક બેસીને પ્રાર્થના, ઈશ્વરની આરાધના કરી શકે તે માટે, તેઓએ પોલીસ બંદોબસ્તની પણ માંગણી આવેદનપત્ર આપીને કરી છે.