શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી અને જીલ્લા ખેતીવાડી વિભાગ-તાપીના સંયુકત ઉપક્રમે પ્રધાનમંત્રી કિસાન સંમેલન અંતર્ગત ખેડૂત શિબિર યોજાઇ:
તાપી: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી વ્યારા ખાતે કાર્યરત છે. જિલ્લા ખેતીવાડી વિભાગ-તાપીના સંયુકત ઉપક્રમે ડૉ. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ આજે પ્રધાનમંત્રી કિસાન સંમેલન અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમા તાપી જિલ્લાના જુદા જુદા ગામોમાંથી અંદાજિત ૧૧૪ જેટલા ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત શ્રી સી. સી. ગરાસિયા, જિલ્લા ખેતી અધિકારી, તાપી દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પીએમ- કિસાન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને યોજનાનો લાભ લેવા માટે જરૂરી માહિતી પૂરી પાડી તાપી જિલ્લાના કુલ ૯૭,૦૨૭ ખેડૂતો પીએમ-કિસાન યોજનાનો લાભ લઇ રહ્યા છે જે અંગે જાણકારી આપી હતી.
આ ઉપરાંત તેમણે i-ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની હાંકલ કરી હતી. વધુમાં તેમણે ન.કૃ.યુ. દ્વારા સંશોધિત નવિનતમ જાતોનો મહ્ત્તમ ઉપયોગ કરવાની ખેડૂતોને ભલામણ કરી હતી. વધુમાં ૧૪૪ પીએમ–કૃષિ સમૃધ્ધિ કેન્દ્રો તાપી જિલ્લામાં ખેડૂતોના માર્ગદર્શન માટે આગામી સમયમાં શરૂ થનાર છે એ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા શિબિરમાં ઉપસ્થિત મહેમાનો તથા ખેડૂત ભાઇ- બહેનોનુ સ્વાગત કરી કાર્યક્રમના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. આ ઉપરાંત તેમણે પીએમ–કિસાન યોજનાની ખેડૂતો માટેની અગત્યતા વિશે જરૂરી માહિતી આપી હતી. ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા સદર કેન્દ્ર દ્વારા ચાલતી વિવિધ ખેડૂતલક્ષી કામગીરીઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહત્તમ લાભ લેવાની ભલામણ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના સીકર જિલ્લા ખાતેથી પીએમ-કિસાન યોજના અંતર્ગત ૧૪મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં આજરોજ જમા થનાર છે જેનુ જીવંત પ્રસારણ સદર કેન્દ્ર ખાતે પ્રોજેકટરના માધ્યમથી ખેડૂતોને બતાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ખેડૂતોને મુંજવતા પ્રશ્નોનુ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યુ હતું. તેમજ ખેડૂતોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. અંતમાં ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા આભારવિધી અને શિબિરનું સફળ સંચાલન પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવ્યું હતું.