શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ટાટા રાલીઝ ઈન્ડિયા કંપની દ્વારા CSR એક્ટીવીટી અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચ ગામોની “મોડેલ ટ્રાઇબલ વિલેજ” તરીકે વિકસાવવા કરાયેલી પસંદગી:
સાગબારા તાલુકાના ગોડદા, દેવીદવ, કાનાપાડા, નાલકુંડ(કુંવર ખાડી), નાની મોગરી અને મોટી મોગરી ગામના ૮૦૦ થી વધુ ખેડૂતોને આંબાવાડી પ્રોજેક્ટ અંતર્ગત ભવિષ્યમાં ઉનાળુ સિઝનમાં આર્થિક રીતે પગભર કરવાનો નવતર અભિગમ:
“ઉન્નત ગ્રામ લાઇવલી હુડ ઇનીસીએટીવ પ્રોજેક્ટસ” ના અમલીકરણ થકી આદિવાસી તાલુકાનાં ગામોમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સ્વ-રોજગારની સુવિધાઓ સુલભ અને સુદ્રઢ બનશે;
મોટી મોગરી ગામે રાલીઝ ઈન્ડિયા દહેજ યુનિટ પ્લાન્ટ અને CSR પ્રવૃત્તિના વડાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ:
ટાટા રાલીઝ ઈન્ડિયા કંપની દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ માં CSR હેઠળ રૂા.૭૫ લાખનું ફંડ મંજુર કરાયું:
રાજપીપલા: નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ કંપનીઓ દ્વારા CSR એક્ટીવીટી અંતર્ગત વિવિધલક્ષી લોક સુખાકારીના કાર્યો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ટાટા રાલીઝ ઈન્ડિયા કંપની દ્વારા CSR એક્ટીવીટી અંતર્ગત સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પાંચ ગામોને “મોડેલ ટ્રાઇબલ વિલેજ” તરીકે વિકસાવવા માટે દત્તક લેવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં કંપની દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ માં આ કામગીરી માટે રૂા.૭૫ લાખનું ફંડ CSR હેઠળ મંજુર કરવામાં આવેલ છે. આજે મોટી મોગરી ગામે તાલુકા પંચાયતના સભ્યશ્રી બહાદુરભાઈ વસાવા, રાલીઝ ઈન્ડિયા કંપની દહેજ પ્લાન્ટના હેડ શ્રી સંજય સપાટી, કંપનીના HR હેડ વિભાકરજી, CSR હેડ સુશ્રી જીગ્નાશાબેન, CSR સિનિયર ઓફિસરશ્રી સૂચિત માલી, કંપનીના દહેજ પ્લાન્ટના HR શ્રી ઉમાકાંત ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લો મૂકાયો હતો. શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી બાળકો દ્વારા જાતે બનાવેલા પેપર ફુલ અને વારલી પેઇન્ટિંગથી શણગારેલા કુંડા-છોડ આપી મહેમાનોનું સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધનમાં CSR હેડ સુશ્રી જિજ્ઞાશાબેને જણાવ્યું હતું કે, આ ગામમાં જાન્યુઆરી મહિનાથી CSR પ્રવૃત્તિ અંતર્ગત સ્થાનિક લોકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને શાળાના બાળકો માટે શિક્ષણ મનોરંજન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના થકી તમામ પાંચેય ગામમાં સંસ્થાના એક-એક કર્મયોગી શાળા સમય પહેલાં અને શાળા સમય બાદ ગામના બાળકોને શિક્ષણ કાર્યમાં સહાયક બની રહ્યાં છે. માત્ર એટલું જ નહીં આ બાળકોને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી ટેકનોલોજીના યુગ સાથે જોડવાનો સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, આ વિસ્તારના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી ઉપર નભે છે, ત્યારે ઉનાળુ સિઝનમાં તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત હોતો નથી. જેથી લાંબા ગાળાના આયોજન સાથે અને ઉનાળામાં પણ ખેડૂતો આર્થિક સ્વાવલંબન કેળવી શકે તે હેતુસર તમામ પાંચ ગામના ૮૦૦ થી વધુ ખેડૂતોને સમાવીને આંબાવાડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલ પ્રાથમિક તબક્કે ૧૦૦ ખેડૂતોને ૫૦-૫૦ રોપા આપીને તેમના ખેતરમાં આંબાનો ઉછેર કરવામાં આવી રહ્યોં છે, જ્યારે જમીન વિહોણા ખેડૂતોને પણ આર્થિક રીતે પગભર કરવા માટે રોજગારીના અન્ય વિકલ્પો ઉભા કરવામાં આવી રહ્યાં છે. સાથોસાથ બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા શુદ્ધ અને સાત્વિક તથા પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે આ તમામ ગામોમાં કિચન ગાર્ડનનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જેમાં ૧૧ પ્રકારના ધાન્યના બીજ ગામના તમામ ખેડૂતોને આપવામાં આવે છે. તેમાંથી થતું શાકભાજી અને કઠોળનું ઉત્પાદન ખેડૂતો માટે લાભદાયી બની રહેશે. આવા સમયે સૌ ગ્રામજનોને આગળ આવી ગામની કાયાપલટ કરવાના આ કાર્યમાં સહભાગી બનવા તેમણે અપીલ કરી હતી.
આ અવસરે ટાટા રાલીઝ ઇન્ડિયા કંપનીના મુંબઈના કાર્યાલયમાંથી ખાસ પધારેલ ઓફિસથી HR હેડ શ્રી વિભાકરજીએ જણાવ્યું હતું કે, કંપની દેશના વિવિધ પ્રદેશોમાં જઈને લોક સમુદાયો સાથે કામ કરી રહી છે. કંપનીના સંસ્થાપકનો પહેલેથી જ વિચાર હતો કે, પોતાની કમાણીનો થોડો ભાગ લોક સમુદાય સુધી પહોંચવો જોઈએ અને તે જ ઉદ્દેશ્યને આગળ લઈ કંપની છેલ્લા ૧૦૦ વર્ષથી ગ્રામીણ સમુદાયના લોકો સાથે મળીને તેમના સહયોગથી ગામનો વિકાસ-ગામની પ્રગતિ માટે રોજગાર અને શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓને આગળ ધપાવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંપની દ્વારા સાગબારા તાલુકાના ગોડદા, દેવીદવ, કાનાપાડા, નાલકુંડ(કુંવર ખાડી), નાની મોગરી અને મોટી મોગરીને “મોડેલ ટ્રાઇબલ વિલેજ” બનાવવા માટે દત્તક લેવામાં આવ્યાં છે. આ ગામોમાં આરોગ્ય સેવાઓ, શિક્ષણ સેવાઓ, પોષણ સંબંધી સેવાઓ તેમજ સ્વ-રોજગારની સેવાઓ માટે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ ગામોમાં શ્રેષ્ઠતમ સુવિધા ઉપલબ્ધ થાય અને ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે માટે ૩ થી ૫ વર્ષ સુધી CSR હેઠળ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવેલ છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કઠપૂતળી પ્રદર્શનના માધ્યમથી શિક્ષણ પ્રવાહના અનોખા અભિગમને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જ્યારે કિચન ગાર્ડન માટે ખેડૂતોને બિયારણ તથા આંબાવાડીના પ્રોજેક્ટ હેઠળ આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના બચાવ અને તેના જતન અને સંવર્ધનના સંદેશા સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.