ખેતીવાડી

સોનુનિયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શક તાલીમ યોજાઈ:

૭૦ જેટલા ખેડૂતોએ હાજરી આપી, પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી મેળવી :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સોનુનિયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શક તાલીમ યોજાઈ:

૭૦ જેટલા ખેડૂતોએ હાજરી આપી, પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી મેળવી :

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત પદ્ધતિઓને વૈજ્ઞાનિક આધાર આપવા માટે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સોનુનિયા ગામ ખાતે એક દિવસીય ઓફ-કેમ્પસ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનું આયોજન નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્માના માર્ગદર્શન તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.બી. ડોબરીયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કીટકશાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સિટીએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીમાં મહત્વ ધરાવતી “નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ” વિષય પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે કાર્યરત વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) ડૉ. બિપિન વહુનિયા દ્વારા નિમાસ્ત્ર તૈયાર કરવાની રીત, તેના ઉપયોગના લાભો તથા પાક પર તેનું અસરકારક છંટકાવ કેવી રીતે કરવો તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શનથી ખેડૂતોને પ્રાકૃતિક કીટનાશક તરીકે નિમાસ્ત્રની ઉપયોગિતા અંગે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન ડૉ. જે.બી. ડોબરીયાએ પ્રાકૃતિક કૃષિમાં નિમાસ્ત્રના વધતા મહત્વ અને તેની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ખેડૂતોને રાસાયણિક દવાઓના વિકલ્પ તરીકે આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કર્યા હતા.

આ ઉપરાંત કીટકશાસ્ત્ર વિભાગના વડા ડૉ. જે.જે. પસ્તાગિયા તેમજ ડૉ. ઈશિતા દ્વારા ફળમાખી નિયંત્રણ માટે ઉપયોગી “ફળમાખી ટ્રેપ” વિશે માહિતી આપી તેની અસરકારકતા અને ઉપયોગીતા અંગે ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં આશરે ૭૦ જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી માર્ગદર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ પ્રત્યે ખાસ ઉત્સુકતા અને જાગૃતિ જોવા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है