
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે “પ્રવાસી મિત્ર” યોજનાની આજથી શરૂઆત:
સાપુતારા: ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા “પ્રવાસી મિત્ર” યોજનાનો પ્રારંભ કરવામા આવ્યો છે. જિલ્લામા પાયલોટ પ્રોજેક્ટ તરીકેની શરૂ કરાયેલી “પ્રવાસી મિત્ર” ની યોજના. જિલ્લામાં આવનારા પ્રવાસીઓને ઉપયોગી નીવડશે, સાથે આ યોજના પ્રવાસીઓની સુરક્ષા તેમજ તેઓને જરૂરી માહિતી પુરી પાડવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે.
જિલ્લામાં પ્રવાસન સ્થળોને વિકસિત કરવા માટે સરકારશ્રી દ્વારા મોટાપાયે પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે, તેથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ભવિષ્યમાં પોલીસ વિભાગ માટે પ્રવાસીઓની સુરક્ષા પડકારજનક બની રહેશે. ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર હોવાથી વળાંક વાળા રસ્તાઓને લીધે અકસ્માતોનુ પ્રમાણ વિશેષ રહે છે. આવા સંજોગોમાં પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે “પ્રવાસી મિત્ર” યોજનાનો નૂતન કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રવાસીઓની સુરક્ષા માટે ઉપયોગી સાબિત થશે.
“પ્રવાસી મિત્ર” યોજના હેઠળ ગ્રામરક્ષક દળના 20 જેટલા સભ્યોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ સુરક્ષાકર્મીઓ જિલ્લામા આવનાર પ્રવાસીઓને QR-Code દ્વારા માર્ગદર્શન આપશે. જિલ્લામાં રાત્રી રોકાણના સ્થળો અંગેની માહિતી પણ આપશે. તેમજ લોકોને પોલીસ વિભાગની સુરક્ષા અંગેની તમામ સેવાઓ વિશે માહિતગાર કરશે. જેમાં વુમન હેલ્પલાઇન, ટ્રાફિક સાયબર ક્રાઇમ તેમજ પ્રવાસીઓની સુરક્ષા માટે તમામ સરકારી વિભાગોના સંપર્ક નંબરો વિશે માહિતીગાર કરશે. જિલ્લામાં કઈ કઈ જગ્યાએ અકસ્માત ઝોન, બ્લેક સ્પોટ આવેલા છે, તે વિશે પણ સતર્ક કરશે.