
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, વ્યારા ખાતે વેબીનાર યોજાયો:
તાપી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લીડ બેંક ઓફિસ તાપી દ્વારા બેન્ક ઓફ બરોડા, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, ઇન્દુ, વ્યારા ખાતે આજ રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ, એગ્રીકલ્ચર એન્ડ ફાર્મસ્ વેલફેર મિનિસ્ટ્રી, પશુપાલન અને ડેરી વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ દ્વારા એન્હેંસિંગ એક્સેસ ટુ ક્રેડિટ થ્રુ કેસીસી, વેબિનાર યોજવામાં આવ્યો હતો.
આ વેબીનારમાં ખેડૂતોને લગતી પાક ધિરાણ,એનિમલ હસબન્ડરી, મત્સ્ય ઉદ્યોગ વગેરેની પોસ્ટ બજેટ ૨૦૨૫-૨૬ ની વિવિધ યોજનાઓ અને લાભો મેળવવા માટેનું માર્ગદર્શન વિવિધ વિભાગો દ્વારા પૂરું પાડવામાં આવ્યું. આ વેબીનારમાં લીડ ડિસ્ટ્રિક્ટ બેંકના એલ.ડી.એમ.શ્રી રસિક જેઠવા, બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા તેમજ વિવિધ બેંક ના અધિકારીઓ, આત્મા ટીમ તાપી તથા તાપી જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ચ્યુઅલ પ્રવચન બાદ સ્થાનિક સ્તરે વર્ષ ૨૦૨૫-૨૬ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) માં રૂપિયા ત્રણ લાખની વ્યાજ સહાય મર્યાદા વધારીને પાંચ લાખની કરવામાં આવી છે જેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ વેબીનારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ અંગે બજેટ 2025-26ની વિવિધ યોજનાઓ અને પુરોગામી લાભો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ વેબીનારમાં જિલ્લાના ખેડૂત લાભાર્થીઓ તથા બેંક કર્મચારીઓ સહભાગી બન્યા હતા.
શ્રી જેઠવાએ વેબિનાર બાદ ખેડૂતોને જણાવ્યું હતું કે ભારતના કેન્દ્રીય બજેટ 2025-26માં અન્નદાતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા રજુ કરે છે. ભારતની આર્થિક પ્રગતિને આગળ ધપાવતું મહત્ત્વનું એન્જિન કૃષિ હોવાથી દસ મુખ્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં કૃષિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે પ્રધાન મંત્રીશ્રીના વક્તવ્યને સમજાવતા ઉમેર્યું હતું કે 2024 સુધીમાં ભારતમાં 7.75 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા છે. આ કિસાન ક્રેડીટ કાર્ડ ખેડૂતોની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. KCC સંશોધિત વ્યાજ સબસિડી સ્કીમ ખેડૂતોને 4 ટકાના રાહત દરે લોન આપે છે. ભારતીય રિઝર્વ બેંકે કોલેટરલ ફ્રી KCC લોન ₹1.6 લાખથી વધારીને ₹2 લાખ કરી છે તેમજ લોન મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરી છે. આ પાક ઉત્પાદન, બાગાયત, પશુપાલન અને મત્સ્યઉછેર માટે ખેડૂતોની વધેલી કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવામાં ઘણો આગળ વધશે. આ યોજના સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી હોવાથી, તે ભારતમાં કૃષિ ધિરાણને ફરીથી વ્યાખ્યાયિત કરવાની ક્ષમતા ધરાવે છે.