
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
CSR પ્રવૃત્તિ હેઠળ નર્મદા જિલ્લાને રૂ.૧.૫ કરોડના ખર્ચે પાંચ જેટલી “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સની ભેટ;
દરદીઓને ઇમર્જન્સીમાં સારવાર પૂરી પાડવા અદ્યતન સુવિધાથી સજ્જ ‘ICU ઓન વ્હીલ્સ’ એમ્બ્યુલન્સ સક્ષમ છે :-મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ,
એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત દેશના ૧૧૨ જેટલા આકાંક્ષી જિલ્લાઓનો ઝડપી વિકાસ સાધીને આ જિલ્લાઓને અન્ય જિલ્લાઓની જેમ વિકાસની મુખ્યધારામાં લાવવાના વિશેષ પ્રયાસો કેન્દ્રીય નીતિ આયોગના માધ્યમથી થઈ રહ્યાં છે. નીતિ આયોગના શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન, ફાઇનાન્સિયલ ઇન્કલુઝન અને માળખાકીય સુવિધાઓ જેવા ક્ષેત્રમાં આયોગના પેરામીટર્સ મુજબ નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધિ માટે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ અનેકવિધ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં અમલમાં મુકાયા છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી અને પછાત લોકોની આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવી જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટેના જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે CSR એક્ટિવીટી અંતર્ગત અંદાજે રૂ.૧.૫ કરોડના ખર્ચે પાંચ જેટલી “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ ગુજરાત CSR ઓથોરિટી દ્વારા એમ્બ્યુલન્સની મંજૂરી મળતા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના વધુ એક પ્રયાસને સફળતા મળતા નર્મદા જિલ્લાને પાંચ એમ્બ્યુલન્સની ભેટ મળી છે.
નર્મદા જિલ્લા માટે ગુજરાત CSR ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી રૂ.૧.૫ કરોડની ઉકત પાંચ “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આ સેવાઓ ઉપલબ્ધ થવાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનોને ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લામાં તાજેતરમાં સીએસઆર (CSR) ફંડ હેઠળ ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની કુલ-પાંચ એમ્બ્યુલન્સ ફાળવવાનું આયોજન છે, જે ટૂંક સમયમાં જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા દોડતી થઇ જશે, તેમ ડો. પટેલે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ICU ઓન વ્હીલ્સ’ અને બેઝિક લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ સાથેની આ બંને એમ્બયુલન્સ દરદીઓને ઇમર્જન્સીમાં પણ સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. ‘ICU ઓન વ્હીલ્સ’ એમ્બ્યુલન્સની ખાસીયતો તરફ નજર કરીએ તો આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, મોનિટર, દવાની કીટ તેમજ એરકન્ડીશનર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સમાં ડોક્ટરો તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઉપલબ્ધ થતો હોવાથી આ એમ્બ્યુલન્સમાં કોઈપણ આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળતો નથી. અને આવી રીતે અદ્યતન ટેક્નોલોજી અને સુવિધાથી સજ્જ આ એમ્બ્યુલન્સ પ્રભાવશાળી એમ્બ્યુલન્સ તરીકે ઉભરી આવે છે.
અત્રે એ નોંધનીય છે કે, આ અગાઉ પણ અંદાજે રૂપિયા ૫૦ લાખના ખર્ચે બેઝિક લાઇફ સપોર્ટીંગ સિસ્ટમની સુવિધા સાથેની ૨ એમ્બ્યુલન્સ વાન જિલ્લાને ઉપલબ્ધ થયેલ છે. જે પૈકી ૧ એમ્બ્યુલન્સ વાન રાજપીપલા સિવિલ હોસ્પિટલને અને બીજી એમ્બ્યુલન્સ દેડીયાપાડા તાલુકાના મોઝદા જેવા અંતરિયાળ વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવેલ છે, જે સેવાનો લાભ જરૂરિયાતમંદ જિલ્લાવાસીઓ મેળવી રહ્યાં છે.