શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા પ્રાથમિક શાળા, વાંસકુઇ ખાતે “કૃષિ શિક્ષણ દિવસ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યારા: તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા તા. 0૩ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ પ્રાથમિક શાળા, વાંસકુઇ ખાતે શાળાના બાળકોમાં કૃષિ ક્ષેત્રે જાગૃતતા આવે એ હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત “કૃષિ શિક્ષણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ૫૦ વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા દ્વારા ઉપસ્થિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓને આવકારી કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ કૃષિલક્ષી ડિપ્લોમા તેમજ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી. વધુમાં ડો. પંડ્યાએ જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિશેનો અભ્યાસ પણ ભણાવવામાં આવશે. કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડો. અર્પિત જે. ઢોડિયા દ્વ્રારા કૃષિ શિક્ષણ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓમાં કૃષિક્ષેત્રે વિજ્ઞાનની અગત્યતા અંગે માર્ગદર્શન આપી આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને પ્રથમ કેન્દ્રિય કૃષિ મંત્રી ડો. રાજેન્દ્ર પ્રસાદ જેમની જન્મ જયંતિ નિમિત્તે આ કૃષિ શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે તેમના દ્વારા કૃષિક્ષેત્રે કરવામાં આવેલા કાર્યો વિશે માહિતી આપી હતી. પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક(ગૃહવિજ્ઞાન) દ્વ્રારા વિદ્યાર્થીઓને ન્યુટ્રિશનલ કિચનગાર્ડન અને વર્મીકમ્પોસ્ટ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓનીઓને ગૃહવિજ્ઞાન વિષયના અભ્યાસક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી. વાંસકુઇ પ્રાથમિક શાળાના આચાર્ય જિતેન્દ્ર ચૌધરીએ ગુજરાત સરકારના પ્રોજેકટ “પર્યાવરણ પ્રયોગ શાળા” વિશે વિસ્તૃત જાણકારી આપી શાળાના પટાંગણમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપીના માર્ગદર્શન હેઠળ “ગંગામાં ન્યુટ્રિશીનલ કિચન ગાર્ડન” વિકસાવવાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચાપાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષ સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.