
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને કેવિકે વ્યારા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર જાગૃતતા કાર્યક્રમ યોજાયો:
“આઉટ સ્કેલીંગ ઓફ નેચરલ ફાર્મિગ થ્રુ કેવિકેસ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું,
વ્યારા-તાપી : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવે (IAS)ની અધ્યક્ષતામાં “આઉટ સ્કેલીંગ ઓફ નેચરલ ફાર્મિગ થ્રુ કેવિકેસ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લામાંથી ૨૩૨ ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવે (IAS)એ તાપી જિલ્લાની ધરોહર એવા પ્રાકૃતિક વાતાવરણને સાચવી રાખી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરતાં થાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે તાપી જિલ્લાની કાર્યશીલ મહિલાઓને પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિ લાવવા અને પ્રાકૃતિક ખેતપેદાશોના સાચા મૂલ્યો અંગે જુદા જુદા ઉદાહરણો થકી માર્ગદર્શિત કર્યા હતા અંતે તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમમાં ન.કૃ.યુ., નવસારીના વિસ્તરણ શિક્ષણ નિયામક્શ્રી, ડૉ. એન. એમ. ચૌહાણએ પ્રાકૃતિક ખેતી થકી મળતી આવક અને ઓછા ખર્ચ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે ભીંડા અને એક દાંડી ડાંગરના પાક થકી ખેતી ક્ષેત્રે આવેલ ક્રાંતિની વાત કરી હતી અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જણાવી ખેડૂતોને આવક વધારવાના સૂચનો કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ.સી.ડી. પંડયાએ બધાં મહેમાનોને આવકારી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. ડૉ. પંડયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક પદાર્થોના અયોગ્ય ઉપયોગથી ખેતીની જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન શક્તિ ઘટી છે. પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો આ સમસ્યા નિવારી શકાય તેમ છે.
પ્રો.કુલદીપ રાણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) કેવિકે, વ્યારા દ્વારા પ્રાકૃતિક ખેતી એટલે શું, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તકો વિશે વિગતવાર સમજણ આપી હતી. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)એ પ્રાકૃતિક ખેતી દ્વારા કરવામાં આવેલ પાકોમાં રોગ – જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા “આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ”ની ઉજવણી નાગલીના પાકમાંથી બનતી વિવિધ બનાવટો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી એ. કે. પટેલે આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક ખેતીની યોજનાકીય માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયાએ સરકારશ્રીની ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત શ્રી રતિલાલ વસાવાએ પોતાના અનુભવો ખેડૂતોને જણાવ્યા હતા અને બાગાયતી જંગલ મોડેલની માહિતી આપી હતી. કાર્યક્રમનાં અંતે બધાં જ ખેડૂત ભાઇ-બહેનોએ કેવિકે ખાતે કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતીના નિદર્શન પ્લોટની મુલાકાત કરી પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ)એ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન)એ કર્યુ હતું.