શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કેવિકે–વ્યારા ખાતે તાપી જિલ્લાના ગ્રામસેવકો માટે કૃષિક્ષેત્રે ICT ટુલ્સનો કાર્યક્ષમ ઉપયોગ વિષય અંગે બે દિવસીય તાલીમ શિબીર યોજાઇ:
વ્યારા: તાપી જિલ્લામાં વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાજેતરમાં જિલ્લાના વાલોડ અને સોનગઢ પેટા વિભાગના કુલ ૭૩ જેટલા ગ્રામસેવકોશ્રીઓ અને વિસ્તરણ અધિકારીશ્રીઓ માટે બે દિવસીય “કૃષિક્ષેત્રે ICT ટુલ્સનો કાર્યક્ષમ ઉપયોગ” વિષય ઉપર ઈનસર્વિસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. સી. ડી. પંડયાએ કાર્યક્રમનું મહત્વ સમજાવી કૃષિક્ષેત્રે આવતી નવીનતમ ટેકોનોલોજીઓ વિશે સૌ કોઇ અવગત રહે તે માટે હાંકલ કરી હતી. વધુમાં તેમણે કેવિકે વ્યારા દ્વારા સંચાલિત જુદા જુદા ICT માધ્યમોના ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા ડો. અર્પિત ઢોડિયાએ ICT ટુલ્સના ઉપયોગ વિશે અને કૃષિક્ષેત્રે ટેક્નોલોજીના પ્રચાર-પ્રસારમાં ICT માધ્યમો, કૃષિલક્ષી એપ્લિકેશનો, કૃષિલક્ષી માહિતી મેળવવા માટેની વેબસાઇટ તેમજ જુદા જુદા પ્રચાર-પ્રસારના ટૂલ્સના કાર્યક્ષમ ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમમાં માહિતીના પ્રચાર-પ્રસારમાં આવતી મુશ્કેલીઓ વિશે જુદી-જુદી રમતો, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને વિડિયો દ્ધારા સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે ગ્રામસેવકોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે ગ્રામસેવકશ્રી હરપાલસિંહ વાળા દ્ધારા પોતાના પ્રતિભાવો રજુ કરી આભાર વિધી સંપન્ન કરી હતી.