શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીની હવે વિદેશમાં પણ બોલબાલા:
અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીના નિકાસની શરૂઆત:
પ્રથમ સીઝનમાં બે લાખ કિલોથી વધારે કેસર કેરીનું ઈ-રેડીયેશન કરી અમેરિકા અને દક્ષીણ આફ્રિકા સહિતના દેશમાં નિકાસ થયો:-કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
• બાવળા ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસીલીટી તૈયાર કરાઈ:
• ફળો માટે મુંબઈની જગ્યાએ હવે અમદાવાદમાં જ ગામા ઇ-રેડિયેશનની સુવિધા ઉપલબ્ધ:
• USDA-APHISની મંજૂરી મળતા આ યુનિટ ગુજરાતનું પ્રથમ USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ બન્યું:
ભારત જેવા કૃષિ પ્રધાન દેશના આર્થિક વિકાસમાં ખેતી અને ખેડૂત બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે દેશના ખૂણે-ખૂણેથી અનેક ખેત ઉત્પાદનોનો વિશ્વના વિકસિત દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. કૃષિ ઉત્પાદનોના નિકાસમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા તેમજ ખેડૂતોને તેમની ઉપજના મહત્તમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે આજે ગુજરાતનો કપાસ, મગફળી અને ફળો સહિતની ખેત પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. ગુજરાતના ધરતીપુત્રો જાતે જ તેમની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખેત પેદાશો નિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી તેનો નિકાસ કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના કૃષિ વિભાગ હસ્તકની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ રૂ. ૨૦ કરોડના ખર્ચે આ રેડિયેશન પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિટને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર તેમજ બોર્ડ ઓફ રેડિયેશન એન્ડ આઇસોટોપ ટેક્નોલોજીના માર્ગદર્શન અને ટેક્નીકલ સમર્થન હેઠળ તૈયાર કરાયું છે. વર્ષ ૨૦૨૨માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ (USDA-APHIS) દ્વારા મંજૂરી મળતા આ યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ બન્યું છે. આ મંજૂરી મળ્યા બાદ ગુજરાતમાં કેરી અને દાડમ પકવતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે તેવી લાગણી મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ઈ-રેડીયેશન યુનીટને USDA-APHISની મંજૂરી મળ્યા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને રાજ્ય સરકારના સતત પ્રયત્નોના પરિણામે પ્રથમ ઉનાળાની સિઝનમાં દરમિયાન બે લાખ કિલોથી વધુ કેસર કેરીનું આ યુનિટ દ્વારા ઇ-રેડિયેશન કરી તેનો અમેરિકા અને દક્ષીણ આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ કેરી જેવા ફળોનો નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. હવે આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવી નિકાસ કરી તેમના પાકનો ઉત્તમ ભાવ મેળવતા થયા છે.
વધુમાં મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, કૃષિ વિભાગના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા અમદાવાદ એક જ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવા ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્લેક્ષ સહિતની ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એમાં પણ USDA-APHISની મંજૂરી મળવાના કારણે હવે આ ત્રણેય સુવિધાઓનાં સંયોજિત ઉપયોગથી કેરી અને દાડમની ગુણવત્તાની જાણવણી, બગાડનો અટકાવ તથા પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળવાનો શરુ થયો છે. આગામી સમયમાં આ સુવિધાઓનો રાજ્યના ખેડૂતો મહત્તમ લાભ લે તે માટે પણ મંત્રીશ્રીએ અપીલ કરી હતી.