
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના કલોલમાં પ્રાકૃતિક ખેતીનો લોગો, FPOના માધ્યમથી કૃષિ ઉપજના વેચાણ માટે પ્રાકૃતિક ગુજરાત મોબાઇલ એપ અને કૃષિ ઉપજના વેચાણ માટે ઇ-વ્હીકલનું લોન્ચિંગ કર્યું:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સપનું જોયું છે કે આખું ભારત પ્રાકૃતિક ખેતી અપનાવે અને આખું વિશ્વ પણ આ સંદેશો સ્વીકારીને પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયે અમૂલને એક પ્રોજેક્ટ આપ્યો છે, જે અંતર્ગત જ્યાં જ્યાં પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતોની સંખ્યા વધશે ત્યાં અમૂલ પોતાની લેબોરેટરી સ્થાપિત કરશે જેમાં તેઓ ખેડૂતોની જમીન અને તેમની ઉપજને પ્રમાણિત કરવા માટે અમૂલ બ્રાન્ડ સાથે ઉપજોના માર્કેટિંગની સાંકળ સ્થાપિત કરશે;
દેશ આઝાદ થયા પછી વસ્તીમાં વધારો થયો, પરંતુ સિંચાઇ અને વૈજ્ઞાનિક ઢબે ખેતીનો અભાવ હતો અને તેના કારણે દેશની સમક્ષ એક મોટું સંકટ એવું હતું કે, દેશ અનાજ મામલે આત્મનિર્ભર બની શક્યો નહોતો;
દર દસ વર્ષે દરેક સમાજે તેની રીતોની સમીક્ષા કરવી જોઇએ કે, આપણી જરૂરિયાતો બદલાઇ છે કે નહીં, જરૂરિયાતો પૂરી કરવાના લીધે કોઇ ખરાબ પરિણામો આવ્યા છે કે કેમ, આ પ્રકારનું સ્વ-મૂલ્યાંકન કરવું જોઇએ,
સંકટને ઓળખવાનું કામ સૌથી પહેલાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું અને તેમણે એવા વિકલ્પો શોધવાની શરૂઆત કરી કે, જેનાથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ થઇ શકે, ખેતીની ઉપજમાં વૃદ્ધિ થાય, પાણીની જરૂરિયાત ઘટે અને ખેડૂતો સમૃદ્ધ બને:
પ્રાકૃતિક ખેતી જમીનને ખરાબ થતી બચાવે છે, તેનાથી અનાજ, ફળો, દાળ, તેલ, ઘઉં વગેરેમાં રાસાયણિક તત્વોનું પ્રમાણ ઘટે છે, આરોગ્ય સારું રહે છે, ખેતીની ઉપજમાં વધારો થાય છે, ખેડૂતની સમૃદ્ધિ વધે છે,
આટલા મોટાપાયા પર જમીનની કૃષિ પદ્ધતિને બદલવામાં ઘણા દાયકાઓ લાગે છે, પરંતુ અહીં માત્ર બે વર્ષમાં આ પરિવર્તન આવ્યું છે, જેનો અર્થ છે કે ગુજરાતના ખેડૂતોએ તેના ફાયદાને ઓળખ્યા છે, સ્વીકાર્યા છે અને તેમના સાથીદારોને પણ તે કરવા માટે પ્રેરણા આપી છે,
આખા અભિયાનને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 16 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશના આઠ કરોડ ખેડૂતો સમક્ષ મૂક્યું હતું અને તેઓ આ વાતને ખૂબ જ સરળતાથી સમજી ગયા હતા,
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના સાંસદ તરીકે, મેં નક્કી કર્યું છે કે ઓછામાં ઓછા 50 ટકા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે:
ભારત માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત એ આજના સમયની માંગ છે અને ભારતની પ્રાકૃતિક ખેતીની જરૂરિયાતને સમગ્ર વિશ્વએ સ્વીકારવી પડશે;
આખી દુનિયામાં જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ – આ બંને વિષયો પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માર્ગદર્શક બની રહ્યા છે અને મને પૂરો ભરોસો છે કે, ભારતમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત સમગ્ર વિશ્વને દિશા આપશે અને ભારતમાં તેની શરૂઆત ગુજરાત સિવાય બીજું કોણ કરી શકે..?
મોદીજી અનેક પરિવર્તનો લાવ્યા જેમકે સૂક્ષ્મ સિંચાઇ, ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, સિંચાઇમાં પાણીની બચત, ખેડૂતોના ઘરો સુધી રાજ્ય સરકારની સહાયતા પહોંચાડવા માટે કૃષિ મહોત્સવનું આયોજન, જમીન પરીક્ષણની શરૂઆત, જમીન પરીક્ષણના માધ્યમથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ સિમિત કરવો જોઈએ;
હું સમારંભમાં તમામ ઉપસ્થિત DDO, કલેક્ટરો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને અનુરોધ કરુ છુ કે, વર્ષ 2022 પૂરું થાય તે પહેલાં દરેક ગામમાં 15 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવાનું તેઓ લક્ષ્ય નક્કી કરે:- કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહ
ગુજરાત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના કલોલમાં પ્રાકૃતિક ખેતીનો લોગો, FPOના માધ્યમથી કૃષિ ઉપજના વેચાણ માટે પ્રાકૃતિક ગુજરાત મોબાઇલ એપ અને કૃષિ ઉપજના વેચાણ માટે ઇ-વ્હીકલનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોતાના સંબોધનની શરૂઆત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયા પછી વસ્તીમાં વધારો થયો, પરંતુ સિંચાઇ અને વૈજ્ઞાનિક ઢબે ખેતીનો અભાવ હતો અને તેના કારણે દેશની સમક્ષ એક મોટું સંકટ એવું હતું કે, દેશ અનાજ મામલ આત્મનિર્ભર બની શક્યો નહોતો. દુનિયાના મોટા મોટા દેશ ખરાબ ગુણવત્તાના ઘઉં અને ચોખા આપણને આપવા માટે પણ શરતો રાખતા હતા. આના કારણે જ ભારતમાં હરિત ક્રાંતિનો પ્રારંભ થયો અને તેની શરૂઆતથી જ રાસાયણિક ખાતરનો ઉપયોગ શરૂ થયો અને દેશ અનાજ મામલે આત્મનિર્ભર થયો. દર દસ વર્ષે દરેક સમાજે તેની રીતોની સમીક્ષા કરવી જોઇએ કે, આપણી જરૂરિયાતો બદલાઇ છે કે નહીં, જરૂરિયાતો પૂરી કરવાના લીધે કોઇ ખરાબ પરિણામો આવ્યા છે કે કેમ, આ પ્રકારનું સ્વ-મૂલ્યાંકન કરવું જોઇએ. એવું ધ્યાનમાં આવ્યું છે કે, ભારતમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે જમીન બિન-ઉપજાઉ બની રહી છે અને રસાયણોના વધારે ઉપયોગના કારણે ભૂગર્ભમાં રહેલા જળસ્રોતો પણ દૂષિત થવાની શરૂઆત થઇ ગઇ છે. આ સંકટને ઓળખવાનું કામ સૌથી પહેલાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. તેમણે એવા વિકલ્પો શોધવાની શરૂઆત કરી કે, જેનાથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ થઇ શકે, ખેતીની ઉપજમાં વૃદ્ધિ થાય, પાણીની જરૂરિયાત ઘટે અને ખેડૂતો સમૃદ્ધ બની શકે. ચાર વસ્તુઓ એક થયા પછી જ આપણે એક નવી હરિત ક્રાંતિની શરૂઆત કરી શકીએ છીએ, જે પ્રાકૃતિક ખેતીથી સર્જિત થાય અને આવનારા કેટલાય વર્ષો સુધી જમીનને ખરાબ કરવાના બદલે ભૂમિ સંરક્ષણ કરે અને તેનું સંવર્ધન કરે. આવું કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કરી બતાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી જમીનને ખરાબ થતી બચાવે છે, તેનાથી અનાજ, ફળો, દાળ, તેલ, ઘઉં વગેરેમાં રાસાયણિક પદાર્થોની માત્રા ઓછી થઇ જાય છે, આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, કૃષિની ઉપજમાં વધારો થાય છે, ખેડૂતોની સમૃદ્ધિ વધે છે, પાણીનો ઉપયોગ ઓછો થાય છે અને જમીન ઉપજાઉ બને છે. આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં મેં આ અભિયાનનો પ્રારંભ કરવાનું નક્કી કર્યું હતું. આચાર્ય દેવવ્રતજી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા અને ત્યાં તેમણે ખેડૂતો સુધી આ પ્રયોગ પહોંચાડવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જે અનુભવો થયા, તેના આધારે તેમણે પ્રધામનંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે આ અંગે ચર્ચા કરી હતી. તેઓ ગુજરાતના રાજ્યપાલ બન્યા તો તેમણે અહિંયા પણ આ અભિયાનની શરૂઆત કરી. કોરોનાના સમય દરમિયાન પણ તેમણે બે લાખ કરતાં વધારે ખેડૂતો અને અઢી લાખ હેક્ટર કરતાં વધારે કૃષિ લાયક જમીન પર આની શરૂઆત કરી. આટલા મોટાપાયા પર જમીનની કૃષિ પદ્ધતિને બદલવામાં ઘણા દાયકાઓ લાગે છે, પરંતુ અહીં માત્ર બે વર્ષમાં આ પરિવર્તન આવ્યું છે, જેનો અર્થ છે કે ગુજરાતના ખેડૂતોએ તેના ફાયદાને ઓળખ્યા છે, સ્વીકાર્યા છે અને તેમના સાથીદારોને પણ તે કરવા માટે પ્રેરણા આપી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, આ આખા અભિયાનને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 16 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશના આઠ કરોડ ખેડૂતો સમક્ષ મૂક્યું હતું અને તેઓ આ વાતને ખૂબ જ સરળતાથી સમજી ગયા હતા. ઘણા ખેડૂતોએ પોતાની કૃષિ પદ્ધતિ બદલવાની શરૂઆત કરી દીધી છે. એક વખત પ્રધાનમંત્રીજીએ એવું પણ કહ્યું હતું કે, તમારી પાસે 10 એકર જમીન હોય તો, બે એકરથી શરૂઆત કરવી જોઇએ અને બાદમાં તેમાં બે-બે એકર વધારતા જાઓ પરંતુ તેની શરૂઆત તો કરવી પડશે. જો અન્નદાતા જ ભવિષ્ય, પૃથ્વી અને દેશ અંગે નહીં વિચારે તો આપણે ભયાનક સંકટ તરફ જતા રહીશું. તેમણે આગળ કહ્યું હતું કે, ગુજરાતમાં ભૂગર્ભ જળનું સ્તર 1000 થી 1200 ફૂટ નીચે જતું રહ્યું છે અને આજે આપણે આવનારી સાત પેઢીઓનું પાણી પી રહ્યા છીએ, આપણે આ વાત પ્રત્યે જાગૃત થવું જોઇએ અને તેના કારણે નવી પદ્ધતિ શીખવા અને સ્વીકારવાની આપણામાં ઉત્સુકતા પણ વધારવી પડશે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના સાંસદ તરીકે, મેં નક્કી કર્યું છે કે ઓછામાં ઓછા 50 ટકા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે અને આ દિશામાં તેમને કાર્યરત કરવા એ મારી ફરજ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત એ આજના સમયની માંગ છે અને ભારતની પ્રાકૃતિક ખેતીની જરૂરિયાતને સમગ્ર વિશ્વએ સ્વીકારવી પડશે.
મંત્રીએ કહ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સતત દસ વર્ષ સુધી 10 ટકાના દરે રાજ્યમાં કૃષિનો વિકાસ કર્યો હતો. તેઓ અનેક પરિવર્તનો લાવ્યા જેમકે સૂક્ષ્મ સિંચાઇ, ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, સિંચાઇમાં પાણીની બચત, ખેડૂતોના ઘરો સુધી રાજ્ય સરકારની સહાયતા પહોંચાડવા માટે કૃષિ મહોત્સવનું આયોજન, જમીન પરીક્ષણની શરૂઆત, જમીન પરીક્ષણના માધ્યમથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ સિમિત કરવો વગેરે. આખા દેશમાં માત્ર ગુજરાતમાં 10 ટકા કૃષિ વિકાસ દર પર સતત 10 વર્ષ સુધી જળવાઇ રહ્યો હતો. હવે આપણી જવાબદારી છે કે, આપણે પ્રાકૃતિક ખેતીના પ્રયોગને સફળ બનાવીએ અને તેમના સૂત્રધાર તેમજ દૂત બનવાની જવાબદારી ગુજરાતના ખેડૂતોની છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સપનું જોયું હતું કે, આખું ભારત પ્રાકૃતિક ખેતી અપનાવે અને આખી દુનિયા આ સંદેશાનો સ્વીકાર કરીને પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધશે. ડાયબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર જેવી બીમારીઓ પાછળનું મૂળ કારણ રાસાયણિક ખાતરોનો ઉપયોગ જ છે. પ્રાકૃતિક ખેતીથી દવાઓની જરૂરિયાતમાં ઘટાડો આવશે, આવકમાં વૃદ્ધિ થશે, ઉત્પાદકતા વધશે, ભૂમિ સંરક્ષણ અને સંવર્ધન થશે, જળસ્તર ઊંચુ આવશે અને એક નિરોગી વિશ્વનો શુભારંભ થશે.