
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આહવા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક ખેડૂત શિબિર યોજાઈ ;
ડાંગ, આહવા: આદિજાતિ વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત નાયબ ખેતી નિયામક દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને આહવાના ડાંગ દરબાર હોલ ખાતે, એક દિવસીય પ્રાકૃતિક કૃષિની ખેડૂત શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગના ખેડૂતોને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના અભિયાનના ભાગરૂપે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની ખેડૂત શિબિરમા કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, પ્રાકૃતિક ખેતીમા જોડાવા માટેની પ્રાથમિક શરતો સાથે, દેશી ગાયની ઉપયોગીતા વર્ણવી હતી.
ડાંગ જિલ્લો પહેલાથી જ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો રહ્યો છે. નાગલી જેવા પાકો આજે પણ પ્રાકૃતિક પદ્ધતિથી લેવામા આવે છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળ ગાવિતે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાની અપીલ કરી હતી.
ડાંગને પ્રાકૃતિક ડાંગનો દરજ્જો, અને મહત્વ આપવાનુ પુણ્યકાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે તેમ જણાવતા, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે વડાપ્રધાન હમેશા ડાંગ ઉપર હેત વરસાવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે સરકાર અનેક યોજનાઓનો લાભ આપે છે, જેનો લાભ લેવા માટે ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો.
આહવા સ્થિત ડાંગ દરબાર હોલમા આયોજિત કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કમળાબેન રાઉત, તાલુકા/જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ, પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, આત્મા નિયામક શ્રી સંજય ભગરિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કેતન માહલા, સહિત ખેત વૈજ્ઞાનિકો, સફળ ખેડૂતો, તથા સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.