
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત
હવે આપણાં ઘરઆંગણે ટેરેસ ગાર્ડન શક્ય બનશેઃ
સુરત શહેરમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત “કિચન ગાર્ડન ઘર આંગણાની ખેતી’ વિષયક એક દિવસીય તાલીમ યોજાઈઃ
ઘરની અગાસી કે બાલ્કનીમાં શાકભાજી ઉગાડી પૌષ્ટિક આહાર મેળવી શકાય છેઃ-નાયબ બાગાયત નિયામકશ્રી નિકુંજ પટેલ
તાજી અને સૌથી પૌષ્ટિક એવી માઈક્રોગ્રીન્સ શાકભાજી વિષે માહિતી આપવામાં આવીઃ
શહેરીજનો કિચન ગાર્ડનની વિનામૂલ્યે તાલીમ લઈ શકશેઃ
સુરત: સુરત શહેરમાં હવે ટેરેસ પર જ શાકભાજી ઉગાડી શકાશે. કોન્ક્રીટના જંગલોમાં રહેતા શહેરીજનો પોતાના મકાનની અગાસી પર જ શાકભાજી, ફળો ઉગાડી શકે તે માટે નાયબ બાગાયત નિયામક-સુરતની કચેરી દ્વારા એકદિવસીય અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત “કિચન ગાર્ડન-ઘરઆંગણાની ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૨૦ જેટલા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે નાયબ બાગાયત નિયામકશ્રી નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, ઘરઆંગણે શાકભાજી ઉગાડીને શહેરીજનો પોતાના આરોગ્યની જાળવણી કરી શકે છે. દરરોજ એક કલાક પોતાના માટે આપીને કિચન ગાર્ડનિંગ સાથે માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે. આગામી સમયમાં વધુમાં વધુ શહેરીજનોને તાલીમ આપીને નાના પાયા પર લોકો ટેરેસ ગાર્ડનિંગ કરતા થાય તે માટેના સક્રિય પ્રયાસો કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-કેવીકેના વૈજ્ઞાનિક ભક્તિબેન પંચાલે જણાવ્યું કે, ગાર્ડનિંગ જુદા-જુદા પ્રકારે કરી શકાય છે. વર્ટીકલ ગાર્ડનિંગ, મેરીગોલ્ડ, રો- ગાર્ડનિંગ, હેન્ગિંગ, કન્ટેનર, હાઈડ્રોપોનિક્સથી ગાર્ડનિંગ કરવામાં આવે છે. શહેરીજનો પોતાની આજુબાજુની ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજીની ખેતી કરી શકે છે. અગાસી પર કુંડા, ગ્રો બેગ, લાકડાના બોક્સ, કાયમી કુંડીઓ બનાવીને તેમાં શાકભાજી ઉગાડવા અંગે તેમજ પેસ્ટીસાઈડ વિશે માહિતી આપી હતી. તેમણે મહિલાઓ સાથે કિચન ગાર્ડન અંગે સંવાદ કરીને તેમના પ્રશ્નોનો સંતોષકારક જવાબો આપ્યા હતા.
કામરેજના બાગાયત અધિકારીશ્રી જસ્મિન બી.લાઠીયાએ માઇક્રોગ્રીન્સ વિષય પર નવીન જાણકારી આપીને શાકભાજી ને ઘરઆંગણે ઉગાડીને પૌષ્ટિક અને ઉત્તમ આહાર મેળવી શકાય છે, એ વિષે નવીનતમ માહિતી આપી હતી. મદદનીશ બાગાયત નિયામક શ્રી પંકજ માલવિયાએ બાગાયતખાતાની નવી યોજનાઓ કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર, કમલમ ફળ અને મધમાખી પાલન વિશે ઉપયોગી સમજ આપી હતી. મદદનીશ બાગાયત નિયામક સુશ્રી ડૉ. કે.ડી.પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
માંગરોળના બાગાયત અધિકારીશ્રી મનિષ રામાણીએ પેરીઅર્બન હોર્ટીકલ્ચર વિષય ઉપર તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને બિયારણ કીટ, કુંડા, ફુલોની ગાંઠ વગેરે જેવી ગાર્ડન ઉપયોગી સામગ્રી આપી સર્ટિફિકેટ વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમનું આયોજન કરનાર બાગાયત અધિકારી(કેનિંગ)શ્રી અંકુર પટેલે આભાર વિધિ આટોપી હતી.