
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર
ઉમરપાડા તાલુકાના ઉમરદા, ખોડાંબા અને વડપાડા ખાતે ‘વેક્સિન ઉત્સવ’ યોજાયો હતો.
ગ્રામ્ય વિસ્તારોના લોકો અંધશ્રધ્ધા કે ભય વિના કોરોના વિરોધી રસી મુકાવે:- વનમંત્રી ગણપતસિંહ વસાવા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરદા, ખોડાંબા અને વડપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોમાં વેક્સિન લેવા અંગેની જાગૃતિ આવે તેવા આશયથી વન, આદિજાતિ મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ‘વેક્સિન ઉત્સવ’માં સહભાગી થયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવના જોઈ રહ્યા છે, ત્યારે આપણે વધુ ને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો કોઇ પણ પ્રકારના અંધશ્રધ્ધા કે ભય વિના રસી મુકાવે તે સમયની માંગ છે. કોરોના જેવા છુપા દુશ્મનનો સામનો કરવા વેક્સિન લેવાનો અનુરોધ કરીને વધુમાં વધુ નાગરિકોએ રસીકરણ કરાવવું જોઈએ તેમ જણાવ્યું હતું.
તેમણે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યભરમાં ૨.૪૦ કરોડ લોકોએ રસી લીધી છે. કોરોનાની બીજી લહેરમાં ૨૫૦ મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત વધીને ૧૧૦૦ મેટ્રીક ટન થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ૧૬ હજાર બેડની સંખ્યા વધારીને ૧.૩૭ લાખ બેડ કરવામાં આવ્યાં છે. વધુમાં મંત્રીશ્રીએ આપણી ઘર, વાડીના શેઢાની આસપાસ વૃક્ષોનું વાવેતર કરીને આવનારી પેઢીને સ્વસ્થ અને સક્ષમ બનાવવાની અપીલ કરી હતી. સાથે આ વિસ્તારના કેવડી અને સરવણ ફોકડીના ગ્રામજનોનું ૮૫ ટકા થયેલા વેક્સિનેશન બદલ તેમણે ગ્રામજનો અને સ્થાનિક જાગૃત અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વનમંત્રીશ્રી તથા ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
‘વેક્સિન ઉત્સવ’ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શારદાબેન, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી અંકિત ગોહિલ, અગ્રણી સર્વશ્રી રાજેન્દ્ર વસાવા, ગંભીરસિંહ વસાવા, દરિયાબહેન તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.