Site icon Gramin Today

સાપુતારા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે 

પ્રકૃતિ પ્રેમી સાપુતારાના પર્યટકો માટે ઉભુ કરાયુ “વન કવચ” નુ આકર્ષણ :

એક હેક્ટર વિસ્તારમા 70 જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ :

સાપુતારા: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) એ ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા ધરાવતા “વન કવચ” નું લોકાર્પણ કર્યુ હતુ. 

વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમાં ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામાં વન ઉભું કરી શકાય તે માટે જાપાનીસ, મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. 

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સુચના મુજબ દક્ષિણ ડાંગ વન વિભાગની શામગહાન રેંજમા આવતા ગિરિમથક સાપુતારા ખાતે, ઇકો પોઇન્ટ પાસે “વન કવચ” બનાવવામા આવ્યુ છે. 

આ “વન કવચ”નો કુલ હેક્ટર વિસ્તાર 1.00 છે. આ વિસ્તારમા કુલ-10000 રોપાનુ વાવેતર કરવામાં આવ્યુ છે. તેમા કુલ-70 જેટલી વૃક્ષોની જાતોનું વાવેતર કરેવામા આવ્યુ છે. અહિં લોકો સહેલાઇથી ફરી શકે તે માટે વન કેડી પણ બનાવવામાં આવી છે. તથા ગજેબો પણ તૈયાર કરાયો છે.

સાપુતારા “વન કવચ” થી અહિં તળાવના ખુબ જ આહલાદક દ્રશ્ય નજરે પડે છે. 

“વન કવચ”ના વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટુંકી નોંધણી તકતીઓ પણ મુકવામા આવી છે. ટુંક સમયમાં ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમાં ફેરવી શકાય, અને નાના નાના વનો થકી વન ગીચતામાં વધારો કરી શકાય તે હેતુ થી “વન કવચ”નુ વાવેતર ખુબ જ સફળકારક છે. 

સાપુતારાના પર્યટકો માટે ડાંગ વન વિભાગ દ્વારા “વન કવચ” નુ નવુ આકર્ષણ ઉભુ કરવામા આવ્યુ છે. જેથી લોકોમા વન વિશે જાગૃતિ અને વનો વિષે લોકોમા જાણવાની કુતુહલતા વધારવા માટેનો છે. અહીં “વન કવચ” ફળાઉ વૃક્ષો તથા બીજા પતંગીયા આકર્ષાય તેવા ફુલોનું પણ વાવેતર કરવામા આવ્યુ છે. 

આ “વન કવચ” થકી જૈવ વિવિધતામાં વધારો થશે, અને પક્ષીઓ માટે નવુ આશ્રય સ્થાન બનશે.

‘વન કવચ’ ઉપરાંત મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે સાપુતારા ખાતે વલસાડી સાગીના લાકડામાંથી બનેલા લોગહટનુ પણ લોકાર્પણ કર્યુ હતુ. 

વર્ષ 1979-80મા બનેલુ આ લોગહટ જર્જરીત થવાના કારણે તેનુ રીનોવેશન કરવામા આવ્યુ હતુ. લોગહટ જે હેરીટેજની ભવ્યવતા જળવાઇ રહે તે માટે વન વિભાગ દ્વારા ફરીથી તેનુ રીનોવેટ કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, માજી પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, સામાજીક આગેવાન શ્રી સુભાષભાઇ ગાઇન સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.કે.ચતુર્વેદી, મુખ્ય વન સંરક્ષક (વલસાડ વન વર્તુળ) શ્રી મનેશ્વર રાજા, દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, મદદનીશ વન સંરક્ષક સુશ્રી આરતી ડામોર, વિવિધ રેંજના આર.એફ.ઓ. તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version