શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આહવાનાં સરપંચ હરિરામભાઈ સાવંત દ્વારા આયોજિત “આહવા પ્રીમિયર ક્રિકેટ લીગ” APL નું આજે ભવ્ય સમાપન..!!
ક્રિકેટની રમતમાં આહવા નગરના ખેલાડીઓની પ્રતિભા બહાર આવે, યુવા ખેલાડીઓ પોતાનામાં રહેલ કૌશલ્યને રજુ કરી શકે તેવા ઉમદા હેતુથી આહવા નગરના સરપંચ હરિરામભાઈ સાવંત દ્વારા ગામના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા APL નું આયોજન કરી ખુબ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તા.૧૮ નવેમ્બર થી શરુ થઈ ચાર દિવસ ચાલેલ આ ટુર્નામેન્ટમાં ચોક્કા છક્કાની રમઝટ સાથે રાનીફલીયા સુપર કિંગ્સ, ઓમ શેષ, રેડ બુલ, વિકી સેવન્ટી વન, આહવા તાજ, પટેલપાડા એકતા ઈલેવન મળી કુલ છ ટીમોમાં ૮૦ ખેલાડીઓને વહેંચી ટુર્નામેન્ટ રમાડવામાં આવી. પ્રથમ ઈનામ રૂ. ૩૦.૦૦૦ ની પ્રાઈસ મની અને ટ્રોફી સાથે રાનીફલિયા સુપર કિંગ્સ વિજેતા બની જ્યારે રેડ બુલ દ્વિતીય ઈનામ રૂ. ૧૫,૦૦૦ ની પ્રાઈસ મની અને ટ્રોફી સાથે રનર અપ વિજેતા રહી. આ ટુર્નામેન્ટના મેન ઓફ ધી સીરીઝ તરીકે રેડ બુલના ખેલાડી ચકા અને બેસ્ટ બોલર તરીકે રેડ બુલના દિલીપ માસ્ટરની પસંદગી થઈ. APL નું આયોજન કરવાની મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગામમાંથી ટેલેન્ટ બહાર આવે. જેમાં ચકા, રશિલ, રવિન, ઘનશ્યામ, સાગર સોલંકી, દિલીપ માસ્ટર જેવા ખેલાડીઓ ઉભરતા તારાની જેમ પોતાની આગવી રમત દાખવી નિખરી આવ્યા.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉત્સાહ પુર્વક અને ખેલદિલીથી પોતાની રમત દાખવી. આહવા નગરની ક્રિકેટ પ્રેમી જનતાએ પણ દર્શક તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. આ ટુર્નામેન્ટનું સફળ મેનેજમેન્ટ રાજા સોલંકી, અમલુ, અર્જુન સોલંકી અને આનંદ સૈદાણે દ્વારા કરાયું. અંતે સરપંચ હરિરામભાઈ સાવંતે જણાવ્યું કે આવીજ રીતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમની કારકિર્દી માટે સહયોગ આપવાનો તથા આવનાર સમયમાં કોઈપણ રમતક્ષેત્રે અમારો સહકાર રહેશે તેવી ભાવના સાથે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા. અંતે સૌ ખેલાડીઓએ આ ઉત્તમ આયોજન અને રમવાની તક ઉપલબ્ધ કરાવવા માટે સરપંચ હરિરામભાઈ સાવંતનો આભાર વ્યક્ત કર્યો.