Site icon Gramin Today

વ્યારા ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો શુભારંભ કરાવતા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા:

શ્રોત: ગ્રામિણ  ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

:તાપી જિલ્લા ખેલ મહાકુંભ-૨૦૨૨:

વ્યારા ખાતે ખેલમહાકુંભ -૨૦૨૨ અંતર્ગત  તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો શુભારંભ કરાવતા તાપી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા;

તાપી,વ્યારા: ” આઝાદી કા અમૃત મહોત્સવ” સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ -૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


તા. ૧૪ થી ૧૮ માર્ચ દરમિયાન શાળા – ગ્રામ્યક્ક્ષાએ ખેલ મહાકુંભની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના બીજા પડાવ હેઠળ આજરોજથી તાપી જિલ્લામાં તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન વ્યારા સ્થિત આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના હસ્તે દોડની સ્પર્ધામાં ફ્લેપ કરીને સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કલેકટરશ્રીએ તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી પ્રસંગોત્ચીત ઉદ્બોધન દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ડોલવણ તાલુકા ખાતે જિ.પં.ના કારોબારી અધ્યક્ષ મોહન કોંકણી, તથા નિઝર તાલુકા ખાતે જિ.પં. આરોગ્ય સમિતિના ચેરમેન સોનલ પાડવીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તમામ તાલુકાઓ ખાતે ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં અલગ અલગ શાળાઓમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


અત્રે ઉલ્લેખનિય છે કે, ખેલ મહાકુંભમાં બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, ટેબલટેનિશ, બેડમિન્ટન, કબડ્ડી, ખો ખો, તરણ, સ્કેટીંગ, એથ્લેટિકસ, યોગાસન, ચેસ, લોન ટેનિશ, હોકી, જુડો, કુસ્તી સહિત ૨૯ રમત જુદી જુદી વયજુથમાં યોજાશે. આ સ્પર્ધાઓ અન્ડર – ૧૧, અન્ડર – ૧૪, અન્ડર – ૧૭, ઓપન એજ ગૃપ, ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર વગેરે વયજુથનો સમાવેશ થાય છે. ખેલ મહાકુંભમાં જુદી જુદી કક્ષાની સ્પર્ધાઓમાં ૧ થી ૩ ક્રમ મેળવનાર ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
આગામી ૨૬ માર્ચ-૨૦૨૨ સુધી તાલુકાકક્ષાની સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ આગામી તા. ૨૦ થી ૨૬ માર્ચ દરમિયાન સીધી જિલ્લા – મહાનગરપાલિકાકક્ષાએ શરૂ થતી રમતોની સ્પર્ધાઓ, આગામી તા. ૩ થી ૧૨ મે દરમિયાન તાલુકા – ઝોનકક્ષાએથી વિજેતા ખેલાડીઓ માટે જિલ્લા – મહાનગરપાલિકાકક્ષાએ સ્પર્ધાઓ, આગામી તા. ૧૫ થી ૧૯ મે દરમિયાન ઝોનકક્ષા(રાજ્ય કક્ષા) અને આગામી તા. ૧૫ થી ૨૯ મે દરમિયાન રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. 

Exit mobile version