શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
રમતો દ્વારા પ્રતિભાનું પ્રદર્શન: જે.સી.આઈ. વાંસદા રોયલના ઉન્નતિ ટેડફેરમાં ભવ્ય ઇનામ વિતરણ :
કમલેશ ગાવિત, વાંસદા : જે.સી.આઈ. વાંસદા રોયલ દ્વારા તારીખ ૨૫ થી ૨૯ દરમિયાન ઉન્નતિ ટેડફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેડફેર દરમિયાન વાંસદા તાલુકાની જનતા માટે વિવિધ પ્રકારની રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ, લીંબુ-ચમચી, કોથળા દોડ, કુદકો મારી જલેબી ખાવાની સ્પર્ધા, સંગીત ખુરસી, મટકા ફોડ, બેડમિન્ટન જેવી રમતો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ તમામ રમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓના સન્માનાર્થે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વાંસદાના ટી.ડી.ઓ. શ્રી રાજેન્દ્રસિંહ પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જે.સી.આઈ. વાંસદા રોયલના પ્રમુખ એડવોકેટ જેસી વિજયભાઈ પટેલ તથા સંસ્થાના પૂર્વ પ્રમુખો અને સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ દરમિયાન તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટી.ડી.ઓ. શ્રી રાજેન્દ્રસિંહ પરમારે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે જે.સી.આઈ. વાંસદા રોયલ દ્વારા સતત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉન્નતિ ટેડફેર યોજી વાંસદા તાલુકાની જનતાને તેનો લાભ આપવામાં આવ્યો છે. બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરીને તેમની અંદર છુપાયેલી પ્રતિભા અને શક્તિઓને બહાર લાવવાનો ઉત્તમ પ્રયાસ સંસ્થાએ કર્યો છે.
તેમણે આ સેવાકીય અને પ્રેરણાદાયક કાર્ય બદલ જે.સી.આઈ. વાંસદા રોયલના ઉત્સાહી પ્રમુખ એડવોકેટ જેસી વિજયભાઈ પટેલ તથા તેમની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
અંતમાં જે.સી.આઈ. વાંસદા રોયલના મંત્રી શ્રી કુલદીપ સુરતીએ મેળામાં ઉપસ્થિત રહેલા તમામ સ્ટોલ ધારકો, જાહેરાત આપનાર દાતાઓ તેમજ દરેક કાર્યમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જે.સી.આઈ. વાંસદા રોયલના પૂર્વ પ્રમુખો તથા તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

