Site icon Gramin Today

સુરત ખાતે ‘વન નેશન વન રાશન કાર્ડ’યોજનાનો જનજાગૃતિ કાર્યક્રમ મેયર હેમાલીબેનના અધ્યક્ષસ્થાને યોજાયો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા સુરત ખાતે ‘વન નેશન વન રાશન કાર્ડ’યોજનાનો જનજાગૃતિ કાર્યક્રમ મેયર હેમાલીબેનના અધ્યક્ષસ્થાને યોજાયો: 

ONORC યોજના, ‘મેરા રાશન’ એપની તલસ્પર્શી જાણકારી અને લાભાર્થીઓ, વાજબી ભાવની દુકાનધારકો સાથે યોજનાના અમલીકરણને મુદ્દે સંવાદ યોજાયો હતો. 

સુરતમાં વસતા લાખો પરપ્રાંતીય શ્રમિકો માટે “વન નેશન વન રેશનકાર્ડ યોજના” આશીર્વાદરૂપ બની છે:- DFPDનાં રવિશંકર

‘ખાદ્ય મંત્રાલય દ્વારા ‘વન નેશન વન રેશનકાર્ડ’ની જાગૃતિ અભિયાન માટે સુરતની પસંદગી સરાહનીય: મનપા કમિશનર શાલિની અગ્રવાલ’                                        

સુરત:   કેન્દ્ર સરકારના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ(DFPD) દ્વારા પાલ સ્થિત સંજીવકુમાર  ઓડિટોરિયમ ખાતે મેયર હેમાલીબેન બોઘાવાલાના અધ્યક્ષસ્થાને ‘વન નેશન વન રેશનકાર્ડ’ (ONORC) યોજના માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ONORC યોજનાની તલસ્પર્શી જાણકારી, ‘મેરા રાશન’ એપ્લિકેશનની માહિતી અને લાભાર્થીઓ તેમજ વાજબી ભાવની દુકાનધારકો સાથે યોજનાના અમલીકરણને મુદ્દે સંવાદ યોજાયો હતો.

છેક છેવાડાના ગરીબ લોકોની મૂળભૂત-અનાજની જરૂરિયાત સંતોષતી ‘વન નેશન વન રાશનકાર્ડની યોજનાની વિશેષતાઓ વર્ણવતા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું હતું કે, માત્ર આધાર કાર્ડની મદદથી ગમે તે રાજ્યનો વતની દેશના કોઈ પણ ખૂણે પોતાની જરૂરિયાત અનુસાર રાશનનો લાભ લઈ શકે છે. જરૂરિયાતમંદ તમામને આ યોજનાનો લાભ લેવાનો અનુરોધ કરતા ધારસભ્યશ્રીએ લાભાર્થીઓ સહિત દરેકને દેશના જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આ જાગૃતતા અભિયાનમાં હિસ્સેદારી નોંધાવવાનું આહ્વાન કર્યું હતું.

આ તકે કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના ડિરેકટર શ્રી રવિશંકરે ગુજરાતમાં વર્ષ ૨૦૧૯થી નેશનલ ફૂડ એન્ડ સિક્યોરીટી એક્ટ(NFSA) અંતર્ગત શરૂ થયેલી ‘વન નેશન, વન રાશનકાર્ડ’ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશ કે રાજ્યનો કોઈ પણ નાગરિક પોતાના મૂળ વતનથી બીજી જગ્યાએ કાયમી કે હંગામી ધોરણે સ્થળાંતર કરે ત્યારે તેવા નાગરિકોના રાશન કાર્ડને ઈ-ગવર્નન્સ સાથે જોડીને તેનો લાભ  આપવામાં આવે છે. ઉપરાંત બાયોમેટ્રિક પદ્ધતિને આધારે આ યોજનાનો લાભ મળવાથી તેમાંથી વચેટિયા, બોગસ કાર્ડ કે કોઈ પણ છેતરપિંડી નાબૂદ થાય છે. સુરત જેવા મિની ભારત સમા શહેરમાં વસતા લાખો શ્રમિકો માટે વન નેશન વન રેશનકાર્ડ યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ બનશે તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી. ‘ખાદ્ય મંત્રાલય દ્વારા ‘વન નેશન વન રાશનકાર્ડ’ની જાગૃતિ અભિયાન માટે સુરતની પસંદગી એ આપણા માટે ગર્વની વાત છે’ એમ જણાવતા મનપા કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરની પ્રગતિને બિરદાવી હતી. વડાપ્રધાનશ્રીના પ્રબળ નેતૃત્વ હેઠળ પી.એમ.જન ધન, જી.એસ.ટી અને હવે વન નેશન વન રાશન સહિતની તમામ યોજનાઓ ઈ-ગવર્નન્સ થકી મોટી સંખ્યામાં જનધન સુધી પહોંચી રહી છે. જે દેશ માટે ખરા અર્થમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની વ્યાખ્યાને ચરિતાર્થ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

દેશનાં કોઈ પણ ખૂણામાં સશક્ત પુરાવા તરીકે કાર્યરત આધાર કાર્ડ સાથે દરેક યોજનાઓને લિન્ક કરવાથી મોટી સંખ્યામાં લોકો વધુ સરળતાથી તેનો લાભ મેળવી શકે છે. ONORCની યોજના બાદ નજીકના ભવિષ્યમાં એક ડ્રાઇવિંગ લાયસન્સની યોજના અમલી બનાવવાની દિશામાં પણ સરકાર કાર્ય કરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું. દેશભરમાં ગુજરાત ભારતની આર્થિક વ્યવસ્થાનું સૌથી મોટું હબ તરીકે આકાર લઈ રહ્યું છે. વિશાળ વ્યાવસાયિક તક ધરાવતા સુરતમાં આરોગ્ય, રોડ-રસ્તા, પાણી, શાળા, આવાસ અને ઉચ્ચ ગુણવતા વાળા જીવન જેવી દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી તે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. શ્રમિકો માટે વરદાન સમી વન નેશન વન રાશન યોજના હેઠળ રાજ્યમાં અંદાજિત ૭૦ લાખ રાશન કાર્ડ  થકી ૩.૫૦ કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એમ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં ફોર્ટિફાઇડ(પોષણ યુક્ત) ચોખા અને તેની ઉત્તમ ગુણવતા વિષે ઓડિયો-વિડીયો માધ્યમ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને ટોકન તરીકે ફોર્ટિફાઇડ ચોખા આપવામાં આવ્યા હતા. સાથે જ ‘મેરા રાશન’ એપ્લિકેશનની માહિતી આપી તેનો ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. વન નેશન વન રાશનકાર્ડ જાગૃતિ અભિયાન અંતર્ગત લાભાર્થીઓ અને સસ્તા અનાજની દુકાન ધરાવતા એફ.પી.ઓ સાથે આ યોજનાના અમલીકરણ કે તેઓને મૂંઝવતા પ્રશ્નો સંદર્ભે સંવાદ યોજાયો હતો.

નોંધનીય છે કે, સુરત જિલ્લામાં “વન નેશન વન રાશનકાર્ડ” હેઠળ ૨૦૦૦થી વધુ કાર્ડધારકો યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા પુરવઠા અધિકારી વિ.જે. ભંડારી, અધિક કલેકટર જે.કે.જૈગોડા, SGCCIના અધ્યક્ષ રમેશ વઘાસિયા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના અન્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં એફ.પી.ઓ/ડિલરો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

શું છે ’વન નેશન વન રેશન કાર્ડ’ યોજના?

અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે આવીને વતનથી દૂર સ્થાયી થયેલા લાખો શ્રમિક પરિવારો માટે વન નેશન વન રેશન કાર્ડ’ યોજના આશીર્વાદરૂપ બની છે, લાભાર્થી કે તેના પરિજન તેમને મળવાપાત્ર રાશન દેશમાં ગમે ત્યાં લઈ શકે છે, તે પણ રેશન કાર્ડ બતાવ્યા વિના. વડાપ્રધાનશ્રીએ દેશના કોઈ પણ રાજ્યમાં કે ગામ-નગરમાં રોજગારી કે અન્ય આવશ્યકતાઓ માટે જતા લોકોને રાશન મેળવવામાં કોઈ સમસ્યા ન રહે તે માટે ‘વન નેશન વન રેશન કાર્ડ’ની વ્યવસ્થાઓ ઊભી કરવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો હતો, જેનો ગુજરાતમાં પણ સફળ અમલ થઈ રહ્યો છે.

N.E.S.A હેઠળના લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો દેશની, રાજ્ય કે જિલ્લાની કોઈપણ વાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે “વન નેશન વન રેશનકાર્ડ” (One Nation One Ration Card) યોજનાનો ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૯થી અમલ કરાઈ રહ્યો છે. ગુજરાત સહિત આજે દેશના મોટાભાગના રાજ્યોનો સમાવેશ કરીને સમગ્ર દેશના N.F.S.A હેઠળ લાભાર્થીઓને લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ અંત્યોદય કુટુંબોને પ્રતિ કુટુંબ ૩૫ કિ.ગ્રા અનાજ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યકતિ ૫ કિ.ગ્રા અનાજનું વિતરણ કરવામાં આવે છે.

પત્રકાર:  ફતેહ બેલીમ બ્યુરો ચીફ સુરત

Exit mobile version