Site icon Gramin Today

સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દર ત્રણ વર્ષે ‘રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ’ અંતર્ગત નેશનલ એચિવમેન્ટ સર્વે હાથ ધરાશે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

આજે ડાંગ જિલ્લામા ‘નેશનલ એચિવમેન્ટ સર્વે’ હાથ ધરાશે :

ડાંગ, આહવા: આજે સમગ્ર દેશમા એકી સાથે, એક જ સમયે ધોરણ-૩, ૫, ૮ અને ૧૦ મા ‘રાષ્ટ્રવ્યાપી શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ’ હાથ ધરવામા આવનાર છે.

સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દર ત્રણ વર્ષે ‘રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ’ યોજવામા આવે છે. આ એક ક્ષમતા આધારિત રાષ્ટ્રીય સ્તરે થનાર મૂલ્યાંકન છે. જે શિક્ષણની ભવિષ્યમા ઘડાનાર રણનીતિ નક્કી કરવામા ઉપયોગી થાય તેમ છે. તે સાથે શૈક્ષણિક નીતિ નિર્ધારણ, શૈક્ષણિક આયોજન, વિદ્યાકીય પ્રક્રિયા, અને શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી થાય તેમ છે. આ માટે દરેક ધોરણ અને વિષયમા અધ્યયન નિષ્પત્તિઓ સંદર્ભે વિધાર્થીઓ શું જાણે છે તે સર્વેક્ષણથી જાણવાનો હેતુ રહેલો છે. આ માટે દેશભરના ૭૩૩ જિલ્લાઓમા ૧.૨૪ લાખ શાળાઓમાંથી ૩૮.૮૭ લાખ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.

આ વિધાર્થીઓ પૈકી ડાંગ જિલ્લાના ધોરણ-૩ ના ૬૪૯, ધોરણ-૫ ના ૬૧૨, ધોરણ-૮ ના ૧૦૫૭, અને ધોરણ-૧૦ ના ૧૩૨૮ મળી કુલ – ૩૬૪૬ વિધાર્થીઓ આ સર્વેક્ષણમા ભાગ લેશે.

આ સિદ્ધ સર્વેક્ષણ કસોટીમા ફિલ્ડ ઇન્વેસ્ટીગેટર તરીકે સી.આર.સી.કો ઓર્ડિનેટર, સરકારી બી.એડ. કોલેજ-વાંસદાના તાલીમાર્થીઓ, ડાયેટ-વઘઈના પી.ટી.સી.ના તાલીમાર્થીઓ, વિશિષ્ટ શિક્ષકો, ડાયેટ-લેકચરર દ્વારા આ કામગીરી હાથ ધરાનાર છે.

આ તમામને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ દ્વારા તાલીમબદ્ધ કરવામા આવ્યા છે. આ સમગ્ર સર્વેક્ષણના જિલ્લા નોડલ ઓફિસર તરીકે ડો.બી.એમ.રાઉત પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ કામગીરી સાંભળી રહ્યા છે. તથા વિધાર્થીઓની હાજરી, સર્વેક્ષણ, અને મોનિટરીંગની કામગીરી શ્રી એમ.સી.ભુસારા, જિલ્લા શિક્ષણાધિકારી, આહવા તથા જિલ્લા લેવલ કો ઓર્ડિનેટર તરીકે શ્રી એન.એસ.રાણે, આચાર્યશ્રી, જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા કામગીરી સંભાળી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં આ સમગ્ર સર્વેક્ષણ સુપેરે પાર પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર ઓબઝર્વર તરીકે ડી.આર.ડી.એ. ડાયરેક્ટર શ્રી ડી.એન.ચૌધરીની નિમણુક કરવામા આવી છે.

Exit mobile version