શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે “સ્વરાજ” શ્રેણી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો,પદાધિકારીઓએ કાર્યક્રમ નિહાળ્યો: દૂરદર્શન દ્વારા તા.14મી ઓગસ્ટ,2022ના રોજથી 15-મી સદીથી રાષ્ટ્રના ઐતિહાસિક વિકાસ,રાષ્ટ્રીય ચળવળના કેટલાક ભૂલાયેલા નરબંકાઓ અને રાષ્ટ્રીય ચળવળની ઝાંખી કરાવતી 75-એપિસોડની એક મહત્વાકાંક્ષી “સ્વરાજ” ટી.વી શ્રેણીનો પ્રારંભ થયો છે. આ શ્રેણીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓએ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નિહાળી હતી.
આ પ્રસંગે ગુજરાતના મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,આપણું સ્વરાજ એમ જ પ્રાપ્ત નથી થયું, અનેક નામી અનામી લોકોએ શહાદતને વ્હોરી છે ત્યારે ભારત દેશ આઝાદ થયો છે. 75મા આઝાદીનો અમૃત મહોત્સવની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ઉજવણી કરી રહ્યાં છીએ. આઝાદીનો ખૂબ મોટો ઇતિહાસ છે જેમાં કેટલોક ઉજાગર છે તો કેટલોક નથી. મને આનંદ છે કે, ડીડી ગિરનાર પર અનોખી સ્વરાજ સિરિયલની શરુઆત કરવામાં આવી છે. મને આનંદ છે કે અલગ પ્રકારની સિરિયલ વર્તમાન અને ભાવિ પેઢી માટે ખૂબ મોટા ઇતિહાસને ઉજાગર કરતી બની રહેવાની છે. આ સિરિયલ જોઈને હું ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.”
આ શ્રેણીનું ડીડી ગિરનાર પર 20 ઓગસ્ટથી દર શનિવારે રાત્રે 7:30 થી 8:30 કલાક દરમિયાન અને પુનઃ પ્રસારણ સોમવાર અને મંગળવાર બપોરે 2:00 થી 3:00 વાગ્યે, બુધવારે રાત્રે 7:30 થી 8:30 વાગ્યે નિહાળી શકો છો.