શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારા પોલીસ સ્ટેશનમાં શી ટીમની પહેલ: ૬ વર્ષથી વિખૂટેલો પરિવાર ફરી એક થયો
દીકરાના ભવિષ્ય માટે માતા-પિતા ફરી જોડાયા, સાપુતારામાં માનવતાનું સુંદર ઉદાહરણ:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે આવેલી મહિલા બેઝ્ડ સપોર્ટ સેન્ટર પર એક મહિલાએ પોતાની વ્યથા રજૂ કરી હતી કે તે છેલ્લા છ વર્ષથી પતિથી અલગ રહે છે. લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર થયો છે, જેના પાલન-પોષણ અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી મહિલા પોતે જ નિભાવે છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પુત્રના અભ્યાસ માટે શાળામાં પ્રવેશ વખતે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો દાખલો અને આધાર કાર્ડ વગેરે પતિ દ્વારા આપવામાં આવતા નથી, જેના કારણે બાળકના ભવિષ્ય માટે મુશ્કેલી ઊભી થઈ રહી હતી.
આ મામલાની ગંભીરતા સમજી શી-ટીમ સાપુતારા તથા મહિલા બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. પતિ-પત્નીને પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા બોલાવી સંયુક્ત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. કાઉન્સેલિંગ દરમિયાન પતિએ સ્વઇચ્છાએ જરૂરી તમામ દસ્તાવેજો પત્નીને સોંપ્યા.
માત્ર દસ્તાવેજો પૂરાં પાડવા પૂરતું જ નહીં, પરંતુ કાઉન્સેલિંગ દરમિયાન બંનેને તેમના પુત્રના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સાથે રહી માતા-પિતાની ફરજો નિભાવવાની સમજણ પણ આપવામાં આવી. આ સંવેદનશીલ સમજણના પરિણામે પતિ-પત્ની ફરી એક સાથે રહેવા તૈયાર થયા.
પોલીસની આ માનવતાભરી પહેલથી એક તૂટતું પરિવાર ફરી એક થયું છે. સાથે જ બાળકને માતા સાથે પિતાનું સ્નેહ અને સંસ્કાર બંને મળવાની તક મળી છે. સાપુતારા પોલીસની આ કામગીરી સમાજમાં વિશ્વાસ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

