શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા :- વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા તથા કોરોના વાયરસનું સંક્રમણ રોકવા ભારત સરકાર દ્વારા ક્ન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે તથા ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૧/૧૦/૨૦૨૦, તા.૦૯/૧૦/૨૦૨૦ તથા તા.૧૪/૧૦/૨૦૨૦ થી SOP/માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ હતી. જે અન્વયે નર્મદા જિલ્લામાં સંદર્ભ-૩ થી બહાર પાડવામાં આવેલ જાહેરનામા/ જરૂરી માર્ગદર્શક સૂચનાઓ નીચેની બાબતો સિવાય તા.૩૦/૧૧/૨૦૨૦ સુધી યથાવત રાખવા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે એક જાહેરનામા દ્વારા હુકમ કર્યો છે.
ગૃહ વિભાગ દ્વારા તા.૦૯/૧૦/૨૦૨૦ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી બહાર પાડવામાં આવેલ સૂચનાઓના પારા ૪(૨) તથા પારા ૫(૧) માં તા.૦૩/૧૧/૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે નીચે મુજબ ફેરફાર કરવામાં આવેલ છે, જેનો નર્મદા જિલ્લામાં ચુસ્તપણે અમલ કરવા હુકમ કરાયો છે.
તદ્દઅનુસાર, “લગ્ન/ સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે ગૃહ વિભાગના તા.૦૯/૧૦/૨૦૨૦ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ ના પારા : (૩) માં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરવાની શરતે ખુલ્લા સ્થળોએ/ બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦% થી વધુ નહીં પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ/ પ્રસંગનું આયોજન કરી શકાશે.”
આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે અને તેની અમલવારી તા.૦૧/૧૧/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાકથી તા.૩૦/૧૧/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવેલ અપવાદ અન્વયે આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.