Site icon Gramin Today

“રાષ્ટ્રીય જળ મિશન ઝુંબેશ” અંતર્ગત “કેચ ધી રેન” કાર્યક્રમો યોજાયા: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

આહવા: ડાંગ જિલ્લાના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા “રાષ્ટ્રીય જળ મિશન ઝુંબેશ” કાર્યક્રમ અંતર્ગત “કેચ ધી રેન” કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વર્ણવતા નહેરુ યુવા કેન્દ્રના યુવા સંયોજક શ્રી અનુપ ઈંગોળે એ જણાવ્યું હતું કે, એનવાયકે યુથ ક્લબના યુવા નેતાઓ, અને સ્વયંસેવકો મારફત પ્રજાજનોમા પાણીના સંરક્ષણની જરૂરિયાત, વરસાદના પાણીનો સંગ્રહ, અને પાણીનો ફરીથી ઉપયોગ કરવાની જાગૃતિ લાવવાનો હતો. આ હેતુ સાથે જળ સંરક્ષણની આવશ્યકતા અને મહત્વ વિશે ગામ સમુદાયોને સમજ આપવી, અને મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે, વર્તમાન અને ભાવિ પેઢીની ઉપલબ્ધતા માટેના પાણીના બગાડ રોકવા બાબતે સંવેદના પ્રગટાવવાનો હતો.

ડાંગ જિલ્લાના જુદા જુદા ગામોમાં આ અભિયાનની શરૂઆત ગત જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૧ સુધી કરવામા આવી હતી.

આ અભિયાનની શરૂઆત ૧લી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ડાંગ જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર દ્વારા જિલ્લા કક્ષાએથી કરવામાં આવી હતી. જેમા વિવિધ કાર્યક્રમો જેવા કે પર્યાવરણ નિર્માણ પોસ્ટર, બેનરો, અને દિવાલ લખાણો દ્વારા જનજાગૃતિ કેળવાઈ હતી. 

દરમિયાન જળસંચય અંગે જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ વ્યાપક પણે ઉપયોગ થયો હતો. જુદા જુદા ગામોમાં સ્વયંસેવકો દ્વારા જનજાગૃતિ અર્થે નુક્કડ નાટકો પણ રજૂ કરાયા હતા. જળસંચય દ્વારા જળ સંરક્ષણના માપદંડ વિશે નિષ્ણાંતો દ્વારા શૈક્ષણિક અને પ્રેરક પ્રવચનો પણ યોજાયા હતા.

અભિયાનમા ભાગ લેતા યુવાનો માટે ક્વિઝ સ્પર્ધાઓ પણ આયોજિત કરાઈ હતી. યુવા અગ્રણીઓ અને સ્વયંસેવકોએ લક્ષ્યાંકવાળા ગામના પરિવારો/ઘરો સાથે વ્યક્તિગત સંપર્ક અને શિક્ષણ કાર્યક્રમ હાથ ધર્યો હતો. પાણીનો સંગ્રહ અને તેમના ઘર અને આસપાસના પાણીના લિકેજ અને બગાડ અટકાવવાના ફાયદા અંગે ગ્રામજનોને શિક્ષિત કરવા સાથે તેમને જળસંચય માટે પ્રેરિત અને સમર્થ કરાયા હતા.

આમ, સતત ત્રણ માસ દરમિયાન ચાલેલા આ જનજાગૃતિ અભિયાન દરમિયાન વિવિધ નિદર્શન, નુક્કડ નાટકો, કિટસ વિતરણ, શૈક્ષણિક અને પ્રચાર સામગ્રી, વિવિધ સ્પર્ધાઓ, ચર્ચા સભાઓ, સોશિયલ મીડિયા અભિયાનો વિગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગામના યુવાનો અને લોકોને પાણીના સંરક્ષણ વિશે જાગૃત અને શિક્ષિત કરાયા હતા.

Exit mobile version