શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે ‘પ્રબુધ્ધ નાગરિક સંમેલન’ યોજાયું:
દિનકર બંગાળ, આહવા: ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે ઉજવાઈ રહેલ જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયું અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લા પંચાયત ખાતે ‘પ્રબુધ્ધ નાગરિક સંમેલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઇ ગામીતે ભગવાન બિરસા મુંડાજીના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના હક, અધિકાર તથા અસ્મિતાના રક્ષણ માટે આપેલા યોગદાનને યાદ કરતાં પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી માત્ર આદિવાસી સમાજના જ નહીં, પરંતુ સમગ્ર દેશના ગૌરવ અને પ્રેરણાના પ્રતીક છે. તેમણે અન્યાય અને શોષણ સામે લડીને સમાજમાં સ્વાભિમાન, એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો. તેમનું જીવન આપણને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ધરતી પ્રત્યે ગૌરવ રાખવાની સાથે શિક્ષણ, સંગઠન અને વિકાસના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. આજના યુવાનો ભગવાન બિરસા મુંડાજીના આદર્શોને જીવનમાં ઉતારી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપે તે સમયની માંગ છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ૧૫ નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ ઘોષિત કરીને દેશના આદિવાસી ક્રાંતિવીરોના બલિદાન અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને સાચું સન્માન આપ્યું છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, એકલવ્ય મોડેલ સ્કૂલ, શિષ્યવૃત્તિ અને વનધન કેન્દ્રો જેવી યોજનાઓ થકી સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આ તમામ યોજનાઓનો લાભ ગામના છેવાડાના પરિવાર સુધી પહોંચે તે માટે સૌએ જાગૃત બનવું પડશે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ સૌ યુવાનોને શિક્ષણ, રમતગમત, ટેકનોલોજી, સરકારી સેવાઓ અને વ્યવસાય ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપી ઉપસ્થિત સૌને વર્ષ @૨૦૪૭ મા વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વક્તા શ્રી વસંતભાઇ ગામીતે ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ, ક્રાંતિકારી વિચારો, અદમ્ય સાહસ અને જનજાતીય સમાજના ઉત્થાન માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જનજાતીય સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ, પરંપરા, આગવી ઓળખ અને ઐતિહાસિક વારસાના જતન તથા નવી પેઢી સુધી તેના સંસ્કારો પહોંચાડવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, ઉપ પ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિણાબેન ગાગુર્ડે, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શંકુતલાબેન પાડવી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિરામભાઇ સાંવત, માજી ધારાસભ્ય શ્રી ગોંવિદભાઇ પટેલ, વાસુર્ણા રાજવી શ્રી ધનરાજસિંહ સુર્યવંશી, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી હિતેશ જણકાટ, પ્રાયોજના વહીવટદારશ્રી ડો.મયુર પરમાર સહિતના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

