Site icon Gramin Today

 રાજપીપલા અને દેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ મહાનુભાવોના હસ્તે નવા કાર્ડધારકોને અભિવાદનની સાથે રેશનકાર્ડનું કરાયું વિતરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોરોના મહામારીમાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન સતત આઠ મહિના સુધી છેવાડાના લોકો સુધી અન્ન પહોંચાડવાની અભૂતપૂર્વ કામગીરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના રેશનકાર્ડ ધરાવતા ન હોય તેવા નિરાધાર, જરૂરીયાતમંદ, સંકટગ્રસ્ત લોકો, પરપ્રાંતિય મજુરોને આવશ્યક ચીજવસ્તુઓનું વિના મૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજના થકી છેવાડાના લોકોને સરકારશ્રીની યોજનાઓના લાભો મળ્યા છે. જેમાં, ખાસ કરીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ, વૃધ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપ બહેનોને રાજ્યસરકાર થકી NFSA રેશનકાર્ડધારકોમાં સમાવેશ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોને ખેતી કરવામાં મદદરૂપ થઈ શકે તે માટે જીરો વ્યાજના દરે ખેડૂતોને ધિરાણ પણ આપવામાં આવે છે. આપણે સરકાર પાસે જવું નથી પડ્યું પરંતુ સરકારે સામે ચાલીને લાભો આપ્યાં અને તે લાભો આદિવાસી વિસ્તાર સુધી પહોંચ્યા હોવાનું શ્રી તડવીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ નવા લાભાર્થીઓનુ વિડીયોકોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કરાયું હતું તેની સાથોસાથ વિડીયોકોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.

આ પ્રસંગે નર્મદા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ-૩૮૧, વૃધ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ-૬૮૮, વિધવા પેન્શન મેળવતી બહેનો-૨૬૬, શ્રમયોગી લાભાર્થીઓ-૫૩૦ અને અન્ય કેટેગરીના રેશનકાર્ડ-૬૩૬૬ સહિત કુલ ૮૨૩૧ કાર્ડધારકોને “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવા લાભાર્થીઓને અભિવાદનની સાથે રેશનકાર્ડનું વિતરણ પણ કરાયું હતું.

ઉક્ત કાર્યક્રમમાં કોવિડ-૧૯ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કામગીરી અંગેની ફિલ્મ તેમજ કિસાન સૂર્યોદય યોજનાના ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું. પ્રારંભમાં નાંદોદના મામલતદારશ્રી ડી.કે.પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં શ્રી ભરતભાઇ પરમારે આભાર દર્શન કર્યું હતું.

Exit mobile version