Site icon Gramin Today

“બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંતર્ગત યોજાયેલી કન્વર્ઝન્સ બેઠકમાં મહિલા બ્રાન્ડ એમ્બેસેડર ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં મહિલા ચેમ્પીયનની પસંદગી માટે કારાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

– મહિલા અને બાળ વિકાસ વિભાગની સાથોસાથ સંબંધિત સરકારી વિભાગોના પરસ્પર સુચારૂ સંકલન દ્વારા “બેટી બચાવો-બેટી પઢાવો” યોજનાના સઘન અમલીકરણ થકી પરિણામલક્ષી સિધ્ધિ હાંસલ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમનો અનુરોધ:

– કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના ચુસ્તપાલન સાથે કાર્ય યોજનાના અમલ માટે ખાસ કાળજી રાખવાની કરાયેલી તાકીદ:

રાજપીપલા:- નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમના અધ્યક્ષપદે ગઇકાલે જિલ્લા પંચાયત ભવન ખાતે “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંતર્ગતની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત સરકારી વિભાગો સાથે યોજાયેલી કન્વર્ઝન્સ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સાથોસાથ ઉક્ત યોજનાના અમલીકરણમાં સંબંધિત અન્ય સરકારી વિભાગો સાથેના પરસ્પર સુચારૂ સંકલન દ્વારા ઉક્ત બાબતે પરિણામલક્ષી સિધ્ધિ હાંસલ થાય તે જોવા પર ખાસ ભાર મૂકાયો હતો.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, યુવા વિકાસ અધિકારીશ્રી પી.બી.હાથલીયા, મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરી ઉપરાંત માહિતી, શિક્ષણ, આઇસીડીએસ વગેરે જેવા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે હાલની કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના ચૂસ્ત પાલન સાથે કાર્ય યોજનાનો અમલ થાય તેની ખાસ કાળજી રાખવાની તાકીદ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે લોકલ ચેમ્પીયનની પસંદગી બાબતે જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, રમત-ગમત, આઇસીડીએસ વગેરે જેવા વિભાગોમાં નોંધપાત્ર કામગીરી સાથે રાષ્ટ્રીય-રાજ્યકક્ષાએ પારિતોષિક કે કોઇ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ હોય તેવી મહિલા પ્રતિભાઓની યાદીઓ મેળવીને તેમાથી યોગ્ય ઉમેદવારની ચેમ્પીયન તરીકે પસંદગી કરવાનું પણ સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં નર્મદા જિલ્લામાં “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંતર્ગત બાળ લગ્ન અટકાવવા, દિકરીઓની સ્ત્રીભ્રૃણ હત્યા અટકાવવા, દિકરીના જન્મને વધાવવા, દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા, મહિલા સશક્તિરણને વેગ આપવા સહિતના શિક્ષણ, આરોગ્ય વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સામાજિક જાગૃત્તિ કેળવવા માટે શિક્ષણ, ખેલકૂદ, આરોગ્ય, કલા-સાંસ્કૃતિક વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ હોય તેવી દિકરીની ઉકત યોજના માટે જિલ્લાકક્ષાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની પસંદગી કરવા અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Exit mobile version