Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં તા. ૧ લી થી તા.૩૧ મી ઓક્ટોબર સુધી અનલોક-૫ ના અમલ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા,રવિવાર :- વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના વંચાણ-૧ ના હુકમથી સમગ્ર દેશમાં ક્ન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૧/૧૦/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. વંચાણની સૂચનાઓ મુજબ નર્મદા જિલ્લામાં કોવીડ-૧૯ ના ઝડપી સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) તથા ૩૭(૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે કેટલાક નિયંત્રણો મૂકવાની જરૂરીયાતને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાંક નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

તદઅનુસાર,નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓના એક સાથે કોઈપણ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક,રાજકીય સમારોહ તથા other congregationમાં તા. ૦૧.૦૯.૨૦૨૦ના જાહેરનામાથી નિયત કરવામાં આવેલ ૧૦૦ વ્યકિતઓની મર્યાદા તા.૧૫.૧૦.૨૦૨૦ સુધી યથાવત રહેશે. ઉપરોકત બાબતો અંગે તા.૧૫.૧૦.૨૦૨૦ પછીની માર્ગદર્શિકાઓ ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. રાજયમાં શાળા, coaching સંસ્થાઓ તા.૧૫.૧૦.૨૦૨૦ બાદ ક્રમશ: પુન: શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા Department of School Education and Literacy (DoSEL), Ministry of Education, Government of India દ્વારા બહાર પાડવામાં આવેલ SOP ને ધ્યાને લઇ સ્થાનિક પરિસ્થિતીને લક્ષમાં લઇ વિગતવાર SOP/Instruction જાહેર કરવામાં આવશે.

તેવી જ રીતે Department of Higher Education (DHE), Ministry of Education, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં સ્થિતીની સમીક્ષા કરીને કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાના સમય અંગે નિર્ણય લેશે. જાહેરમાં થૂંકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રાજય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે.

તદઉપરાંત,નીચેની પ્રવૃત્તિઓને સોશીયલ ડિસ્ટન્સીંગ અને ફેસ કવર બાબતે આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના નિર્દેશો/ગાઇડલાઇનને અનુસરવાની શરતે મંજુરી આપવામાં આવે છે.

તેવી જ રીતે સમગ્ર નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં ક્ન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓની જ છૂટ રહેશે. ક્ન્ટેનમેન્ટ ઝોનમાં અંદરથી બહાર કે બહારથી અંદર લોકોની અવરજવર પ્રતિબંધિત રહેશે પરંતુ મેડીકલ ઈમરજન્સી તેમજ આવશ્યક માલ-સામાન અને સેવાઓનો પુરવઠો જાળવવા માટે અવરજવરની છૂટ રહેશે. આંતર રાજ્ય અને રાજ્યની અંદર વ્યક્તિઓ અને માલ-સામાનની અવર-જવર કોઈ પણ નિયંત્રણ વિના કરી શકાશે. આ માટે અલગથી પરવાનગી લેવાની રહેશે નહી. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિ (co-morbidities), સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોએ અત્યંત જરૂરી ન હોય કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન હોય, તો ઘરે જ રહેવાનું રહેશે.

ઓફિસ તથા કામના સ્થળો પર સલામતીની ખાત્રી માટે, તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરી શકાય એવા મોબાઈલ ફોન હોય તે તમામ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે. જિલ્લાના તમામ નાગરિકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવા અને નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય અંગે એપમાં અપડેશન કરવા સૂચન કરવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્યનું જોખમ ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સમયસર તબીબી ધ્યાન આપવા અંગે સરળતા રહેશે. તમામ વ્યક્તિઓએ એકબીજાથી ઓછામાં ઓછુ ૬ ફુટ અંતર (દો ગજ કી દુરી) જળવાય તે મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે દુકાનદારોએ સુનિશ્ચિત કરવાનું રહેશે.

તેવી જ રીતે કાર્યસ્થળોએ શક્ય હોય ત્યાં સુધી “વર્ક ફ્રોમ હોમ” સિધ્ધાંતને અનુસરવાનો રહેશે. કચેરીઓ, કાર્યસ્થળો, દુકાનો, માર્કેટ્સ(બજારો) અને ઔદ્યોગિક અને વાણીજ્ય એકમોમાં કામ/ વ્યવસાયના કલાકો(Business hours) અલગ અલગ રાખવાના રહેશે. તમામ કાર્યસ્થળોએ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસ અને કોમન એરીયામાં થર્મલ સ્ક્રીનીંગ, હેન્ડ વોશ અથવા સેનીટાઈઝરની જોગવાઈ કરવાની રહેશે. સંપૂર્ણ કાર્યસ્થળ, સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓ તથા લોકોના સંપર્કમાં આવતા તમામ પોઈન્ટ્સ જેવા કે ડોર હેન્ડલ વિગેરેને બે શિફ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન તથા તે ઉપરાંત વારંવાર સેનીટાઈઝ કરવાના રહેશે.કાર્યસ્થળના પ્રભારી એવા તમામ વ્યક્તિઓએ કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે શિફ્ટ વચ્ચે સમયનું યોગ્ય અંતર અને કર્મચારીગણના ભોજન માટે અલગ અલગ સમયની ગોઠવણ કરીને સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે.

ઉક્ત જાહેરનામા દર્શાવેલ અપવાદ અન્વયે આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Exit mobile version