શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: દિનકર બંગાળ
નડગખાદી ગામે હુમલાખોર દિપડો આખરે પાંજરે પુરાયો:
વઘઈ: ગત તા.૮મી નવેમ્બરના રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચિચીનાગાંવાઠા રેન્જ વિસ્તારમાં આવેલ નડગખાદી ગામમાં માણસ ઉપર હુમલો કરનાર દિપડો આખરે પાંજરે પુરાયો છે. પંથકમાં લોકોએ અનુભવ્યો હાશકારો..
ડાંગ જિલ્લાના પ્રકૃતિ પ્રેમી આદિવાસી પ્રજાજનો દ્વારા પાંજરે પુરાયેલા દીપડાની વિધિગત પરંપરાગત મુજબ કંકુ અગરબત્તીથી પૂજા અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાઘ બારસના દિવસે આદિવાસી પ્રજાજનો દ્વારા જંગલી, હિંસક વન્ય પ્રાણીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે.
નડગખાદી ગામની આ ઘટના, એ વનોમાં વસતા માનવી અને પ્રાણીઓ વચ્ચેના પ્રેમની સહૃદયતા દર્શાવી છે ડાંગના નિવાસીઓ સૌ પ્રકૃતિઓ છે. જે આ ઘટનાથી ફળીભૂત થાય છે. જંગલની જાળવણીમાં પણ ડાંગ વાસીઓ હંમેશા આગળ જ રહ્યા છે.
નડગખાદી ગામમાં પાંજરે પુરાયેલ દીપડાને વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે ગાડીમાં ભરી, અન્ય સલામત જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લઈ, વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
દીપડા દ્વારા હુમલાની ઘટનાને પગલે ડાંગ જિલ્લાની તમામ ફોરેસ્ટર રેન્જમાં વન વિભાગ દ્વારા રાત્રી સભા યોજી, ગ્રામજનો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષણ પ્રસાદ રવિ રાધાક્રિષ્ણના જણાવ્યા અનુસાર મોટાભાગે દીપડા દ્વારા માનવ હુમલાઓ રાત્રી અથવા વહેલી સવારે અંધારાના સમયમાં થાય છે. જેથી આવા સમયે પોતાની પાસે બેટરી, ટોર્ચ લઈ બહાર જવા માટે લોકોને સૂચનો કરવામાં આવ્યા છે. સાથે જ બને ત્યાં સુધી ત્રણથી વધુ વ્યક્તિઓ સાથે નીકળવું જોઈએ. દીપડો હંમેશા પોતાનાથી ઉચાઈમાં નાના દેખાતા પ્રાણી પર હુમલો કરે છે. વન પ્રાણી અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક ગામના સરપંચ તથા જે તે વિસ્તારના ગામના નજીક આવતા બીટગાર્ડનો સંપર્ક કરવા મદદનીશ વન સંરક્ષક આરતી ડામોરે અપીલ કરતાં જણાવ્યું છે.