શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા ખાતે જિલ્લા કક્ષા કલામહાકુંભ-૨૦૨૧-૨૨ નો પ્રારંભ:
સરકારશ્રીના કલામહાકુંભ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમના આયોજનથી ગ્રામ્ય કલાકારોની પ્રતિભા બહાર આવે છે.:- ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા
કલાકારોની કલાને ઉજાગર કરવાનો અવસર એટલે કલા મહાકુંભઃ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી
વ્યારા-તાપી: રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા સંચાલિત તથા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના સહયોગથી તાપી જિલ્લા કક્ષા કલામહાકુંભ ૨૦૨૧-૨૨ નો પ્રારંભ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતિમાં કરાયો હતો.
કલા મહાકુંભ સમારોહના અધ્યક્ષ મોહનભાઈ ઢોડિયાએ ભારત રત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને સ્મરણાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, આપણા ભારત દેશનું નામ વિશ્વમાં ગુંજતુ કરનાર આ મહાન વિભૂતિને કોટીકોટી વંદન. આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભ, કલા મહાકુંભ જેવા કાર્યક્રમો આપ્યા જેના કારણે કલાકારોમાં રહેલી સુષુપ્ત કલાશક્તિઓ બહાર આવે છે. કોરોના મહામારીના કારણે થોડો સમય આવા કાર્યક્રમો મોકુફ રખાયા પરંતુ આપણા મુખ્ય મંત્રીશ્રીએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને કલા મહાકુંભ જેવા કાર્યક્રમો શરૂ કરાવ્યા છે. જેથી શાળાઓના બાળકો તેમજ ગ્રામ્ય ક્ષેત્રોના સાચા કલાકારો બહાર આવે.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ થી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.ગ્રામ્ય સંસ્કૃતિઓના કલાકારો પોતાની કલાને ઉજાગર કરી શકે તેવો સરકારશ્રીનો ઉદે્શ્ય છે. આ કલા મહાકુંભમાં ૮ પ્રકારની વિવિધ કૃતિઓ યોજાશે. જેમાં વ્યક્તિગત અને સામુહિક કલાઓનું પ્રદર્શન થશે,શ્રેષ્ઠ કલાકારોને નવાજવામાં આવશે. ભાગ લેનારા બધાજ કલાકારો પ્રશંસાને પાત્ર છે.
કાર્યક્રમના પ્રારંભે ભારતરત્ન લતાજીને બે મીનીટ મૌન રાખી તમામ મહાનુભાવો સહિત કલાકારોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.મમતાબેન પાવાગઢીએ ‘એ મેરે વતન કે લોગો..’ગીત રજુ કર્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે સ્વાગત પ્રવચન કરી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. કલા મહાકુંભમાં લોકનૃત્ય, રાસ-ગરબા, એકપાત્રિય અભિનય, દુહા-છંદ, ચોપાઈ, ગઝલ વિગેરે રજુ થયા હતા. આજરોજ પ્રદર્શિત થયેલ તમામ ૮ કૃતિઓ રજુ કરનાર કલાકારોને ધારાસભ્યશ્રી મોહનભાઈએ રોકડ પુરસ્કાર આપી તેમની કલાને બિરદાવી હતી.
કલા મહાકુંભના આ કાર્યક્રમમાં ધામોદલાના ચૌધરી આદિવાસી ડોવડા ગૃપ દ્વારા પારંપારિક ડોવડા નૃત્ય રજુ કર્યું હતું. સરસ્વતી વિદ્યાલયની બાલિકાઓએ બાંબુ નૃત્ય રજુ કરી દર્શકોને ડોલાવી દીધા હતા. ધારાસભ્ય મોહનભાઈએ કલાકારો સાથે નૃત્યમાં સહભાગી થઈ કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે વ્યારાનગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, ઉર્મિલાબેન ઢોડિયા, ગ્રામ સેવા સમાજ પ્રમુખ ગણપતભાઈ ગામીત, આચાર્ય સંઘ પ્રમુખ દિપકભાઈ કેપ્ટન, સિનિયર કોચ ચેતન પટેલ, કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન સહિત નિર્ણાયકો અને સાત તાલુકામાંથી પધારેલ કલાકારો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન દક્ષિણાપથ વિવિવધલક્ષી વિદ્યાલયના આચાર્ય આશિષભાઈ શાહે કર્યું હતું.