Site icon Gramin Today

ડાંગ દરબારના મેળામાં સ્વચ્છતા તેમજ સેનિટેશન વ્યવસ્થા જળવાઇ રહે તે માટેનું વિશેષ આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ દરબારના મેળામાં સ્વચ્છતા તેમજ સેનિટેશન વ્યવસ્થા જળવાઇ રહે તે માટેનું વિશેષ આયોજન:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાની ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાના આગમન સાથે જ, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેના સૂચારુ આયોજન-વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે.

આ મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે ત્યારે, મેળાના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના વડપણ હેઠળ જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રની સફાઇ અને સેનિટેશન વ્યવસ્થા અંગેની સમિતિ દ્વારા મેળામાં સ્વચ્છતાં જળવાઇ રહે તે માટે ગ્રામ પંચાયતના સહયોગથી વિવિધ ટીમો બનાવી દેવામાં આવી છે. આ સમિતિ દ્વારા સ્થળ મુલાકાત પણ કરવામાં આવી રહી છે.

સમિતિના અધ્યક્ષ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચ સહિતના સભ્યો સાથે સ્થળ મુલાકાત કરી મેળા દરમિયાન સૂચારૂ આયોજન થઇ શકે તે માટે સાફસફાઇની કામગીરી, તેમજ મેળાના અલગ અલગ સ્થળોએ સેનિટેશનની વ્યવસ્થા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જાહેર શૌચાલયોની સાફસફાઇ, મોબાઇલ ટોઇલેટ વાન મુકવાની જગ્યાં નક્કી કરવા સાથે રોજે રોજ કચરો સાફ સફાઇની કામગીરી કરવા માટે ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનો તા.૨૬/૨/૨૦૨૬ થી પ્રારંભ થનાર છે. આ ડાંગ દરબારનો મેળો તા.૩/૩/૨૦૨૬ સુધી આહવા ખાતે યોજાઈ રહ્યો છે.

Exit mobile version