Site icon Gramin Today

ડાંગ જીલ્લામાં ૭૪માં સ્વાતંત્ર્ય દિનની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ મહાલા

ડાંગ જીલ્લા કલેક્ટરશ્રી એન.કે.ડામોરના હસ્તે કરાયું ધ્વજવંદન: સરકારની ગાઈડલાઈન્સ ધ્યાનમાં રાખી  શિસ્તબદ્ધ પરેડ યોજી, “કોરોના વોરીયર્સ”નું સન્માન, અને સમગ્ર કાર્યક્રમ બાદ  વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું;

રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કલેકટરશ્રીએ પ્રજાજોગ સંદેશામાં સૌને પાઠવી શુભેચ્છા;

આહવા;  વૈશ્વિક મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહેલા વિશ્વના તમામ દેશો સહિત ડાંગ જિલ્લામાં પણ “કોરોના” સામેના જંગમાં પ્રજાકીય શિસ્ત અને સરકારની માર્ગદર્શક સૂચનાઓના અક્ષરશ; પાલન સાથે જીત મેળવવાની અપીલ કરતા ડાંગ જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોરે ૭૪માં સ્વતંત્ર દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

“કોરોના”ના સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સમસ્તમાં ખુબ જ સાદગીથી યોજાયેલા “સ્વતંત્રતા દિવસ ઉજવણી કાર્યક્રમ” દરમિયાન ડાંગ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોરે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ, પરેડ નિરીક્ષણ કરી પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું. “જાન ભી, ઓર જહાન ભી”ના સુત્રને ચરિતાર્થ કરવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ડાંગ જિલ્લાની વિકાસકૂચની ટૂંકમાં ઝાંખી રજુ કરી હતી.

દરમિયાન ડાંગ જિલ્લાની હથિયારી પોલીસ ટુકડી, ફોરેસ્ટ ફોર્સના જવાનો, હોમગાર્ડ યુનિટ, ગ્રામ રક્ષક દળ, અને પોલીસ બેન્ડ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજુ કરવામાં આવી હતી. આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે દેશભક્તિ ગીતોના સંગીતે વાતાવરણને જોમવંતુ બનાવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત ડાંગના બે અનમોલ રતન એવા આંતરરાષ્ટ્રીય રમતવીરો સહિત આરોગ્ય વિભાગના ૩૪ જેટલા ફ્રન્ટલાઈન “કોરોના વોરીયર્સ”નું કલેકટર શ્રી એન.કે.ડામોર દ્વારા જાહેર સન્માન, અભિવાદન કરાયું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

ડાંગ પોલીસના જવાનો દ્વારા ૨૧ રાયફલની સલામી સાથે હર્ષ ધ્વની કરી, રાષ્ટ્રધ્વજને બાઅદબ સલામી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રી એ વરસતા વરસાદમાં ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જેમની સાથે જીલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા જોડાયા હતા.

કાર્યક્રમમાં ડાંગના જનપ્રતિનિધિઓ સહિત માજી રાજ્વીશ્રી, નગરજનો, જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી અર્પી હતી.

“કોરોના”ના કપરા કાળમાં યોજાયેલા ડાંગ જીલ્લાના ૭૪મા સ્વતંત્રતા દિવસ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લાના મહેસુલી અધિકારીઓ નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત તથા તેમની ટીમ, જિલ્લા પંચાયતના વડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા અને સમગ્ર જિલ્લા પંચાયતની ટીમ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા અને તેમની ટીમ, વન વિભાગના નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને દિનેશ રબારી તથા તેમની ટીમ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ તથા નાયબ ઈજનેરશ્રી અમીષ પટેલ અને તેમની ટીમ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ અને સંદીપભાઈ પટેલે સેવા આપી હતી.

Exit mobile version