Site icon Gramin Today

ડાંગ જિલ્લા પંચાયતનુ સને અંદાજીત રૂ.૩૬૮ કરોડનુ બજેટ સર્વાનુમતે મંજુર;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ  રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લા પંચાયતનુ સને અંદાજીત રૂ.૩૬૮ કરોડનુ બજેટ સર્વાનુમતે મંજુર;

ડાંગ: આહવા; તા: ૩૦: ડાંગ જિલ્લા પંચાયતનુ સને ૨૦૨૧/૨૨ ના વર્ષનુ કુલ રૂ.૩૬૮ કરોડ ૨૯ લાખ, ૯૮ હજાર ૯૯૧નુ બજેટ ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નિર્મળાબેન જગ્યાભાઈ ગામીતે રજૂ કર્યું હતુ. જેને સર્વાનુમતે મંજુર કરાયુ છે. 

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લો વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધરવે છે. ડુંગરાળ અને વાનાચ્છાદિત પ્રદેશ ધરાવતા જિલ્લામા વરસાદનું પ્રમાણ ઘણુ વધારે રહે છે. તેમ છતા પિયત વિસ્તાર માટે જરૂરી ભૌગિલક પરિસ્થિતિ અનુકુળ ન હોવા છતા અહી ખેતીવાડી ક્ષેત્રે પ્રગતિ થઈ રહેલ છે. ગુજરાતના આ જિલ્લામા એક પણ ઓધોગિક કારખાના નથી. તેમ છતા ડાંગ જિલ્લાનો અન્ય જિલ્લાઓની જેમ સર્વાગી વિકાસ કરવાના આયોજન થકી જ, ડાંગના ગામોમા રસ્તા, પુલો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાના કારણે જિલ્લા મથક સાથે ગામો સીધા જોડાયલ છે. 

સિંચાઈ, ખેતી, પશુપાલન જેવી યોજનાઓના કારણે મહદ્અંશે ખેડુતોનો પણ વિકાસ થવા પામેલ છે, અને તેમની આર્થિક પરિસ્થિતિમા પણ સુધારો જોવા મળે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તથા સી.એચ.સી. દ્વારા ગામોમા આરોગ્ય સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવાઈ રહી છે. પ્રાથમિક શાળાના મકાનોની સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે. સુબીર અને વધઈ તાલુકા પંચાયતની કચેરી સુવિધા માટે નવા મકાનોની સુવિધા મળેલ છે. આમ આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી જેવી પાયાની સુવિધા લોકો સુધી પહોચે, તેમજ તેમા ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે.  

ડાંગ જિલ્લા પંચાયતને મહેસુલી આવક મળતી નથી. કરવેરા કે ખનીજ ઉત્પાદન અંગે પણ કોઈ લાભ મળતો નથી. ફકત વન ઉપજની ૧૦ ટકા આવક ઉપર આધાર રાખવો પડે છે. જિલ્લા પંચાયત પાસે આવકના સ્ત્રોત નહિવત છે. ડાંગ જિલ્લાના નવરચિત તાલુકાઓ સાથે કુલ ત્રણ તાલુકા અસ્તિત્વમા આવેલ છે. આમ સ્વભંડોળ ક્ષેત્રે વહીવટી વિકાસના ખર્ચમા પણ વધારો થયેલ છે.  

જે બાબતો ધ્યાને લઈ પોતાની આવકના સાધનો વધે તે બાબત વિચાર માંગી લે છે. જિલ્લાનું સર્વલક્ષી વિકાસશીલ અંદાજપત્ર સરકારશ્રીના ફંડ સિવાયની આવકો સિવાય તૈયાર કરવુ ખુબજ મુશ્કેલ ભર્યુ કામ છે. તેમ છતા જિલ્લાના વિકાસ માટે મર્યાદિત આવકને ધ્યાને લઈ આ અંદાજપત્ર તૈયાર કરેલ છે.  

અંદાજપત્ર તૈયાર કરવામા જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા સહીત પદાધિકારીશ્રીઓ અને શાખાધિકારીશ્રીઓ સાથે સંકલન કરી આ અંદાજપત્રને આખરી કરાયુ છે. જે મુજબ સને ૨૦૨૦-૨૦૨૧ ના સુધારેલ અંદાજો. તથા સને ૨૦૨૧-ર૦રર ના અંદાજોમા જિલ્લા પંચાયતના સ્વભંડોળ તેમજ સરકારી સદરે મુખ્યત્વે નીચે મુજબની જોગવાઈઓ કરવામા આવેલ છે. 

જિલ્લા પંચાયત વિકાસ ક્ષેત્રે (ત્રણ તાલુકા પંચાયતો સહીત) ફાળવણી રૂા.૭૩.૨૫ લાખ સ્વભંડોળ સદરે અને રૂા.૩૯૫૯.૦૦ લાખ સરકારી સદરો સહીતનુ આયોજન કરેલ છે. ખેતીવાડી ક્ષેત્રે રૂ. ૨૧.૬૫ લાખ સ્વભંડોળ સદરેથી જયારે રૂા.૨૩૧.૯૫ લાખ સરકારી સદરેથી ખર્ચની માંગણીનુ આયોજન છે. પશુપાલન ક્ષેત્રે રૂા. ૪.૭૦ લાખ સ્વભંડોળ સદરેથી અને રૂ.૩૪૦.૧૪ લાખ સરકારી સદરેથી આયોજન કરેલ છે.  

આરોગ્ય ક્ષેત્રે રૂ.૧૦.૩૦ લાખ સ્વભંડોળ સદરેથી જયારે રૂ.૧૯૨૮.૭૭ લાખ સરકારી સદરેથી ખર્ચની માંગણીનુ આયોજન છે. બાંધકામ ક્ષેત્રે સ્વભંડોળ સદરેથી રૂા. ૧૫૩.૦૦ લાખ તથા રૂા. ૯૯૯૦.૭૦ લાખ સરકારી સદરેથી જિલ્લાના માળખાકીય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. સિંચાઈ ક્ષેત્રે રૂ. ૨૦.૦૦ લાખ સ્વભંડોળ સદરેથી તથા રૂા.૮૨૮.૬૦ લાખ સરકારી સદરે આયોજન કરેલ છે. શિક્ષણ ક્ષેત્રે રૂા.૫૦.૫૧ લાખ સ્વભંડોળ તથા સરકારી સદરે રૂા.૧૩૮૫૩.૫૦ લાખની જોગવાઈ કરેલ છે.

જિલ્લાના વિકાસના કામો માટે રાજય સરકાર દ્વારા આયોજન મંડળ, આદિજાતિ પેટા વિસ્તાર યોજના, પછાત વિસ્તાર અનુદાન ફંડ તેમજ અન્ય ખાતામો તરફથી આ યોજનાઓના લાભ મળવાથી સરકારી યોજના હેઠળ ખુટતી કડીના કામો પેટે અનુદાન ઉપલબ્ધ થાય છે. તેમજ મનરેગા યોજના હેઠળ રોજગારી સહ માળખાકીય સુવિધા ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહેલ છે.  

આમ, આવકના સિમિત સ્ત્રોત હોવા છતા જિલ્લાનો સર્વાગી વિકાસ સાધવાનો પ્રયત્ન કરેલ છે. તૈયાર કરેલ આ આયોજનને સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને ચરિતાર્થ કરી અંદાજપત્રને રજુ કરાયુ છે. જેને આજે સર્વાનુમતે બહાલ રખાયુ છે. 

જિલ્લા પંચાયત ખાતે આજે રજુ થયેલા બજેટ વખતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સહિતના તમામ સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, હિસાબી અધિકારી શ્રી આર.બી.ચૌધરી સહિતના તમામ શાખાઅધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version