Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં ૧૩ પાણીની મોટર ખરીદીમાં દસ લાખનો ભ્રષ્ટાચાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં ૧૩ પાણીની મોટર ખરીદીમાં દસ લાખનો ભ્રષ્ટાચાર:

૧ મોટર ૨૨ હજારથી ઓછી કિંમતે મળે, પરંતુ ૯૫,૫૦૦ માં ખરીદાઈ:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવાના કિસ્સાઓ અવારનવાર તો સાંભળવા જ મળતા હોય છે. પરંતુ જિલ્લાના આહવા તાલુકા પંચાયતે ભ્રષ્ટાચારની સીમા વટાવી દીધી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને હાલ આ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

મળતી વિગતો અનુસાર આહવા તાલુકા પંચાયતની અમુક ગ્રામ પંચાયતોમાં પાણીની મોટર ખરીદી કરવા માટે GEM પોર્ટલ પર ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩ પાણીની મોટર ખરીદી કરવાની હતી. જે બાબતે ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનિષ મારકણા દ્વારા માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ ૨૦૦૫ (આરટીઆઇ) હેઠળ સમગ્ર ખરીદી બાબતે માહિતી માંગવામાં આવેલ હતી. અને સમગ્ર ખરીદી બાબતે ચોંકાવનારી રકમ જે સેરવાઈ ગઈ છે તે બહાર આવવા પામી છે.

૧ પાણીની મોટર ફાલકન કંપનીની ૯૫,૫૦૦ માં ખરીદી કરી છે તેમ બિલો પરથી ખબર પડી. જ્યારે મનીષ મારકણા દ્વારા ઘણી દુકાનોમાં ભાવ અંગે તપાસ કરતા ફાલકન કંપનીની પાણીની મોટરની કિંમત ૧૪,૦૦૦ થી ૨૨,૦૦૦ સુધીમાં સારામાં સારી ગુણવત્તાવાળી મળી જતી હોય છે. જેથી લાગી રહ્યું છે કે આહવા તાલુકા પંચાયતે ભ્રષ્ટાચાર આચર્યો છે આહવા તાલુકા પંચાયતના વિકાસ અધિકારીએ પણ બિલો પાસ કરી દીધા છે. અને સમગ્ર મામલો તપાસનો વિષય બનવા પામ્યો છે. મનીષ મારકણા દ્વારા આહવા તાલુકા પંચાયતે રૂપિયા દસ ૧૦,૦૭,૫૦૦ નું ભ્રષ્ટાચાર કર્યો છે અને તેની તપાસ માટે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કાર્યવાહીની માંગ સાથે ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી છે. હવે જોવું રહ્યું કે, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર દ્વારા સમગ્ર ભ્રષ્ટાચાર બાબતે કેવા પગલાં ભરવામાં આવશે.

Exit mobile version