Site icon Gramin Today

ડાંગમાં અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટર

નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળા કે જળાશયોમાં પ્રવેશ ન કરવા અને જાહેરનામાનો અમલ કરવા અપીલ

દિનકર બંગાળ, આહવા: ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, તા. ૩૦ જુલાઈના રોજ બપોર બાદ ઓરેન્જ એલર્ટ તથા આવતીકાલે, તા. ૩૧ જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે પવન સાથે અતિભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે. પૂર્વતૈયારીના ભાગરૂપે તેમજ વરસાદની આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટરશ્રી દ્વારા આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં લાઇઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ તમામ સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. રજા પર ગયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને તેઓને ફરજિયાતપણે હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ફોરેસ્ટ, માર્ગ અને મકાન વિભાગ તથા ગૃહ વિભાગના અધિકારીઓ સાથે પરસ્પર સંકલન સાધીને ઓવરટોપિંગ થાય તેવા કોઝવે અને રસ્તાઓ પર પોલીસ તથા હોમગાર્ડના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

કલેક્ટરશ્રીએ ડાંગના તમામ નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને નદી-નાળા વાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. આ ઉપરાંત પ્રવાસીઓને જળધોધ કે જળાશયોમાં પ્રવેશ ન કરવા, પશુપાલકોને જોખમી જગ્યાએ પશુઓ ન લઈ જવા તેમજ તમામ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતેથી અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને કુદરતી આપત્તિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી ઓનલાઇન સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version