Site icon Gramin Today

જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ૬૩૪ મતદાન મથકોએ યોજાયું મતદાન:

રાજપીપલા નગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની કુલ-૧૪૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના ૫૦૧ ઉમેદવારોનું જિલ્લાના ૪,૪૪,૩૨૬ મતદારો તેમના મતદાન થકી ભાવિ ઘડી કાઢશે:

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા સહિતના પદાધિકારીશ્રીઓએ પણ કરેલુ મતદાન:

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ તેમજ ચૂંટણી નિરીક્ષકશ્રી ડૉ. એસ.જે.જોષીએ શહેર અને જિલ્લાના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું કરેલું નિરીક્ષણ,

         રાજપીપલા,રવિવાર :- નર્મદા જિલ્લામાં આજે જિલ્લા પંચાયત તથા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ ના મતદાનના દિવસે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ રાજપીપલા નગરપાલિકાની વોર્ડ નંબર-૭ ની ચૂંટણી માટે રાજપીપલામાં લુહાર-સુથાર પંચની વાડી ખાતેના મતદાન મથકે સવારે આશરે ૧૦=૦૦ કલાકના સુમારે તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. જ્યારે નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવાએ પણ ભૂછાડ ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે મતદાન કર્યું હતું. તેમજ પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. 

 

 અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ૬૩૪ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે નગરપાલિકા માટે ૩૭ મતદાન મથક તેમજ જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત માટે ૫૯૭ મતદાન મથક સહિત કુલ- ૬૩૪ જેટલા મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. નગરપાલિકાના કુલ- ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ- ૧૧૫ ઉમેદવારો, જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે ૭૯ મેદવારો અને પાંચેય તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે કુલ – ૩૦૭ ઉમેદવારો સહિત શહેર જિલ્લામાં કુલ- ૧૪૦ બેઠકો માટે કુલ- ૫૦૧ ઉમેદવારો આ ચૂંટણી સ્પર્ધામાં યોજાઇ હતી. અને આ તમામ બેઠકો માટે જિલ્લાના કુલ -૪,૪૪,૩૨૬ મતદારો તેમના મતદાન થકી ૫૦૧ જેટલા ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢશે.

 

નર્મદા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આજે સવારે રાજપીપલા નગરપાલિકા / જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતની ચૂંટણી માટેના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરી જરૂરી પૃચ્છા સાથે જાણકારી મેળવી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે સવારે નિયત સમયે મતદાન શરૂ થઇ ગયુ હતું કોઇ પણ જગ્યાએ કોઇ મુશ્કેલી થયેલ નથી જિલ્લામાં ૬૩૪ મતદાન મથકોએ ૪૫૩૦ પોલીંગ સ્ટાફ ફરજમાં રોકાયેલ છે. સમગ્ર કામગીરી નિષ્પક્ષ રીતે થાય તે માટે જુદા જુદા ચૂંટણી અધિકારીશ્રીઓ, ચૂંટણી નિરીક્ષકશ્રી, પોલીસ સ્ટાફ બંદોબસ્ત દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયાનું સુપરવિઝન થઇ રહ્યું છે અને મતદારો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઇ રહ્યા છે. 

 

રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષકશ્રી ડૉ.એસ.જે. જોષીએ સવારે રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં સરકારી હાઇસ્કુલ ખાતેના તેમજ નાંદોદ તાલુકાના આંબલી ગામે, દેડીયાપાડા તાલુકાના ચીકદા, ટીમ્બાપાડા તેમજ સાગબારા તાલુકાના ગંગાપુર, દુધલીવેર, ચોપડવાવ, સેલંબા અને ગોટપાડા ખાતેના મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ જે તે મતદાન મથકોએ થઇ રહેલી મતદાન કામગીરીનું નિરીક્ષણ કરવા ઉપરાંત મતદાન પ્રક્રિયા સંબંધી પૃચ્છા સાથે જરૂરી જાણકારી મેળવી હતી. ચૂંટણી નિરીક્ષકશ્રી ડૉ.જોષીએ બપોરબાદ ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના મતદાન મથકોની પણ મુલાકાત લીધી હતી.

 

 રાજપીપલા શહેરના દોલતબજારના રહીશ અને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પ્રાથમિક શાળા ખાતે પ્રથમ વખત મતદાન કરનાર યક્ષ સ્વામીશરણ શીકલીગર આનંદ અને ગૌરવની લાગણી અનુભવવાની સાથે સૌ કોઇને મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો છે. તેવી જ રીતે રાજપીપલાના કુવા ફળીયાના રહીશ કેસાબેન કમલેશકુમાર વ્યાસે પણ આજે સૌ પ્રથમ વખત કરેલા મતદાનથી હર્ષની લાગણી વ્યક્ત કરતા મતાધિકાર ધરાવતા પ્રત્યેક મતદારાને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને આપણી લોકશાહીને વધુ મજબુત બનાવવા માટેના યોગદાન માટે આહવાન કર્યુ છે. રાજપીપલા ટેકરા ફળીયાના રહીશ દિવ્યાંગ ધનુબેન સતીશભાઇ વસાવાએ બીએડ કોલેજ ખાતે મતદાન કર્યું હતું. ધનુબેન પોતે જન્મથી ડાબાપગે દિવ્યાંગ હોવા છતાં પણ દર વખતની જેમ આજે પણ લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન કરીને મતદાનથી વિમુખ રહેતા સશક્ત મતદારોને અચૂક મતદાન કરવાનો ધનુબેને પ્રેરક સંદેશ આપ્યો છે.   

 

 શહેર અને જિલ્લામાં આજે યોજાયેલા આ મતદાન દરમિયાન મૂકબધિરોને પણ લોકશાહીનો સાદ સંભળાવાની સાથે પ્રજ્ઞાચક્ષુઓને પણ મતદાન મથકોનો રાહ સૂઝ્યો હોવાના અને આવા દિવ્યાંગ મતદારોના મતદાનના માધ્યમથી લોકશાહીની ગરિમાને ઉજાગર કરતાં કિસ્સાઓ નોંધાયા છે. જિલ્લાના મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ, શતાયુ વટાવી ચૂકેલા શતકવીર જેવા તનથી અશક્ત પણ મનથી સશક્ત લોકશાહીના આ સૈનિકોએ મતદાનમાં ગૌરવભેર ભાગ લઇને લોકશાહીને મજબૂત બનાવવા તેમની ભાગીદારી નોંધાવી છે. લોકશાહીમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા આ સૈનિકોની મતદાન માટેની ફરજપરસ્તી પણ પ્રેરણાદાયક છે. મતદાન માટેનો તેમનો અદમ્ય ઉત્સાહ અને ધગશ જ તેમને મતદાન મથક સુધી દોરી ગયેલ છે. ટેકણલાકડી અને સહાયકની મદદથી મતદાન કરીને તેઓ જાણે કે લોકશાહીને વિકલાંગ થતી બચાવે છે. બીજી બાજુ પોતાના પગ ઉપર ઉભા રહેવા સશક્ત નથી તેવા મતદારોએ પણ તેમનું મતદાન કરીને લોકશાહીને ટટ્ટાર રાખવાની સંકલ્પબધ્ધતાને દોહરાવી છે.

Exit mobile version